*’આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃતક મહિલાના પીડિત પરિવારને રૂ. 51,000ની આર્થિક સહાય કરી.*
*ગર્ભવતી મહિલાના મૃત્યુ મુદ્દે ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું મોટું નિવેદન.*
*એક તરફ ભાજપ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહી છે અને બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા અને એમ્બ્યુલન્સના અભાવે ગર્ભવતી મહિલા મૃત્યુ પામી રહી છે: ચૈતર વસાવા* 

*આઝાદીના આટલા વર્ષો બાદ રોડ રસ્તા અને એમ્બ્યુલન્સના અભાવે ગર્ભવતી મહિલાની મૃત્યુ સરકાર માટે શરમજનક ઘટના છે: ચૈતર વસાવા*
*બહેનનું મૃત્યુ સામાન્ય મૃત્યુ નથી, પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે થયેલ મૃત્યુ છે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે: ચૈતર વસાવા*
*આ ગામમાં આ જ વર્ષમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને રોડ-રસ્તાની સુવિધા ઉભી કરવામાં આવે એવી અમારી માંગણી છે: ચૈતર વસાવા*
*જો આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં નહીં આવે તો જલદ આંદોલન થશે: ચૈતર વસાવા*
*આપણા વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે, પરંતુ આપણી પાસે રોડ રસ્તા નથી: ચૈતર વસાવા*
*વિશ્વની ઊંચી પ્રતિમાથી ફકત ૧૫ કિલોમીટર દૂર ગામમાં એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ગર્ભવતી મહિલા મૃત્યુ પામી: ચૈતર વસાવા*

*નર્મદા ડેમમાં થર્મલ પાવરના કારણે કરોડોની ઇન્કમ થઈ રહી છે, હજારો ટન રેતી જાય છે તો પછી આ બધા પૈસા જાય છે ક્યાં?: ચૈતર વસાવા*
*આદિવાસી વિસ્તાર દ્વારા કરોડોની આવક સરકારને થાય છે, તો પછી આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકાર કેમ બજેટ નથી ફાળવતી?: ચૈતર વસાવા*
*નર્મદા ડેમમાં પોતાના ગામો આપનાર આદિવાસી લોકોને કેમ પાણીમાં અનામત નથી આપવામાં આવી?: ચૈતર વસાવા*

*સરકાર ભલે કરોડોના ખર્ચ કરીને મોટા મોટા તાયફાઓ કરે પણ ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા આપણા ગામના લોકો જાણે છે: ચૈતર વસાવા*
*આદિવાસી સમાજે હવે સામાજિક રીતે એક થવાની જરૂર છે: ચૈતર વસાવા*
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તૂરખેડા ગામે રોડ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તુરખેડા ગામની મુલાકાત લીધી. ધારાસભ્ય ચૈતર વસાવા મૃતક મહિલાના પરિવારને મળ્યા અને તેમના દુઃખમાં સહભાગી થયા અને સાથે સાથે મૃતક મહિલાના પીડિત પરિવારને રૂ. 51,000ની આર્થિક સહાય કરી. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આ ગામમાં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે અને આરોગ્યની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો આ ગર્ભવતી બહેનને જોલી કરીને લઈ જતા હતા, ત્યારે રસ્તામાં તેમનું દુઃખદ અવસાન થયું.

એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં પ્રકૃતિ તેમના સમગ્ર પરિવારને શક્તિ આપે અને એમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવા માટે અમે આજે આ ગામમાં પધાર્યા છીએ. આ બહેનની જે નાની દીકરી છે તેની વેદનાની અમે કલ્પના પણ નથી કરી શકતા, પરંતુ હાલ અમે તમામ લોકો આ પરિવારની સાથે છીએ. આ બાળકોને ભણાવવાની અને બીજી તમામ પ્રકારની મદદ સરકાર તરફથી મળે તે માટે અમે રજૂઆત કરીશું. આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ નથી તથા અહીંયા આવવા માટે કોઈ રોડ રસ્તા પર નથી, તો આવનારા દિવસોમાં સરકાર તાત્કાલિક ધોરણે આ તમામ સુવિધાઓ આ ગામમાં ઊભી કરી આપે તેવી અમારી માંગણી છે. જો સરકાર આ જ વર્ષમાં આ માંગણીઓ પૂરી નથી કરતી તો આવનાર સમયમાં જલદ આંદોલન થશે.
આજે બહેનનું મૃત્યુ થયું છે તે સામાન્ય મૃત્યુ નથી, પરંતુ આ બહેનનું મૃત્યુ વહીવટી તંત્રની જવાબદારીના કારણે થયું છે. માટે જવાબદાર લોકો પર કાર્યવાહી થશે એવો અમને પૂરો ભરોસો છે. સરકાર એક બાજુ વાતો કરી રહી છે કે અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, સરકારે વિકાસ કરી નાખ્યો છે પરંતુ હકીકત આપણી સામે છે. આ વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને પ્રતિમાથી ફક્ત 10-15 km દૂર આવેલા ગામમાં રોડ રસ્તાના અભાવે અને એમ્બ્યુલન્સ ન પહોંચવાના કારણે એક ગર્ભવતી મહિલાની મૃત્યુ થઈ છે. આ ઘટનાને પગલે આપણા સૌનું માથું શરમથી ઝૂકી જાય છે. નર્મદા ડેમ માટે આપણે આપણા ગામો આપ્યા તેમ છતાં પણ આપણને પાણી મળ્યું નથી, નર્મદા ડેમમાં પોતાની જમીન આપનાર ગામોને પાણીમાં અનામત મળવું જોઈતું હતું.
હમણાં કેટલાક લોકોએ રજૂઆત કરી કે તેમના ગામમાં શિક્ષકો નથી. મારો સવાલ છે કે શું સરકારને ખ્યાલ નથી કે તેમના આ આ ગામોમાં શિક્ષકો નથી? હકીકતમાં સરકારને ખબર છે કે અહીંયા શિક્ષકો નથી. હકીકતમાં સરકાર જાણી જોઈને શિક્ષકો મુક્તિ નથી. હમણાં ગરીબ કલ્યાણ મેળામાં સૌને તગારા પાવડા અને ત્રિકમ આપ્યા, શું દર વખતે આપણને તગારા પાવડા અને ત્રિકમ જ લેવાના છે? અમારી માગણી છે કે તમે પહેલા શિક્ષક મૂકી આપો, શાળા સારી બનાવી આપો, રોડ રસ્તા આપો, આરોગ્યની સુવિધાઓ આપો. ગઈકાલે જે ગર્ભવતી બહેન મૃત્યુ પામ્યા તેનું કારણ શું છે? તેમના ગામમાં આરોગ્યનું સબ સેન્ટર પણ નથી અને 108 પણ નથી પહોંચી શકતી એટલા માટે આ બહેન મૃત્યુ પામ્યા. નર્મદા ડેમમાં થર્મલ પાવરના કારણે પાણીની કરોડોની ઇન્કમ થઈ રહી છે, હજારો ટન રેતી જાય છે તો પછી આ બધા પૈસા જાય છે ક્યાં? આ વિસ્તાર દ્વારા આટલી બધી કરોડોની આવક સરકારને આપવામાં આવે છે તો પછી આપણા વિકાસ માટે સરકાર કેમ બજેટ નથી ફાળવતી?
સરકાર ભલે કરોડોના ખર્ચ કરીને મોટા મોટા તાયફાઓ કરે અને ગુજરાત મોડલ અને મહિલા સુરક્ષાના બગણા ફૂંકે પરંતુ વરવી વાસ્તવિકતા આપણા ગામના લોકો જાણે છે. આપણા વિસ્તારના બાળકોને તેમના માતા પિતાઓએ ભણાવી દીધા પરંતુ આજે તેમની પાસે રોજગાર નથી. બી એ બી એડ કરીને પણ યુવાનો આજે ખેતરે જવા માટે મજબૂર બન્યા છે. આ તમામ પરિસ્થિતિ બદલવા માટે આપણે સામાજિક એકતા બનાવવી પડશે. આપણા વિસ્તારના લોકો “મારી આ પાર્ટી મારી આ પાર્ટી” કરી રહ્યા છે અને થોડા વડીલો ધર્મ સંપ્રદાયમાં “મારા આ ગુરુ મારા આ ગુરુ” કરી રહ્યા છે અને એના કારણે આ બધી લડાઈઓમાંથી આપણે ઉપર નથી આવી રહ્યા. ચૂંટણી આવશે ત્યારે પોત પોતાની પાર્ટીમાં રહીને ચૂંટણી લડી લઈશું પરંતુ સામાજિક લડાઈને છુટા રહીને જો લડવા જઈશું તો સરકાર પોલીસનો ઉપયોગ કરીને આપણને ડરાવશે અને જેલમાં પણ પૂરી દેશે. માટે આપણે હવે સામાજિક રીતે એક થવાની જરૂર છે.
આજે હું અહીંયા સામાજિક આગેવાન તરીકે જ આવ્યો છું. આપણા વિસ્તારમાં જે પણ આદિવાસી લોકો સાથે અન્યાય થાય છે એ આપણે સૌએ સાથે રહીને આપણે લડાઈ લડવાની છે. આપણે અનામતની વાત મૂકવાની હોય, રોડ રસ્તાની કે સિંચાઈના પાણીની કે પીવાના પાણીની વાત મૂકવાની હોય કે સ્વાસ્થ્ય અને શિક્ષાની વાત મુકવાની હોય, આવી તમામ વાતો માટે આપણે સરકાર સામે ઉતરવું પડશે. આજે કરોડો રૂપિયાની પાણીની પાઇપલાઇનનો આવી છે પરંતુ લોકોને પાણી મળ્યું નથી. લોકોના ઘરે નળ લગાવી ગયા છે પરંતુ પાણી આવ્યું નથી. આ પરિસ્થિતિને બદલવા માટે હું તમામ યુવાનોને વિનંતી કરું છું કે આપણે એકતા બનાવવી પડશે. આપણે આ દેશના માલિક છીએ અને આ જળ જંગલ જમીનના આપણને અધિકાર આપવામાં આવ્યા છે, તેમ છતાં પણ આપણી આવી ખરાબ હાલત છે. માટે હવે આપણે આ પરિસ્થિતિ બદલવા માટે જ્યારે પણ સરકાર સામે રજૂઆત કરવાની હશે ત્યારે આપ સૌએ એકજૂટ થઈને અમારી સાથે આવવું પડશે.

