કચ્છ જિલ્લાની છેવાડે આવેલા સરહદી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી નેત્રા તરફના માર્ગ પર તેરા અને લાખણિયા ગામની નદી પરની પાપડી ભારે વરસાદ બાદ તૂટી જવા પામી છે. બંને ગામની નદીઓમાંથી સપ્તાહ બાદ પણ પાણીનો પ્રવાહ વહી રહ્યા છે. જેને 15 ગામને જોડતો માર્ગ બંધ છે. લોકોને ના છૂટકે પગપાળા ચાલીને નદી પાર કરવી પડી રહી છે.

આથી રોષે ભરાયેલા લાખણિયા ગામના લોકોએ આજે નેત્રા ત્રણ રસ્તા પાસે આવી માર્ગ ઉપર ચક્કાજામ કરી મુક્યો હતો. ચક્કાજામના પગલે માર્ગ ઉપર વાહનોની કતાર લાગી ગઈ હતી. આ મામલે લોકોએ તંત્રના જવાબદાર અધિકારી રૂબરૂમાં આવી બંધ પડેલા માર્ગ અંગે નિવારણ લાવવાની ખાતરી આપે એવી માગ કરી હતી.
બનાવના પગલે નલિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રસ્તા ઉપર બેઠેલા લોકોને સમજાવટ બાદ રસ્તો ખુલો કારવાયો હતો. જોકે અધિકારીની રૂબરૂ મુલાકાત બાદ લોકોએ સ્થળ પરથી પરત જવાનું કહ્યું હતું.

