આજે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ અટલજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન ગુડ ગવર્નન્સના એક ભાગ રૂપે વધુ સુગમ રીતે કેમ કાર્યાન્વિત કરવી જોઈએ એ સંદર્ભ થોડું મનોમંથન.
સરકાર તો ઘણા પ્રયાસ કરે છે સુશાસન સંદર્ભે પરંતુ છતાં પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ એવાં લોકો છે જે તંત્રની યોગ્ય પ્રક્રિયાથી વાકેફ નથી આવા ભારતીય નાગરિકો માટે પણ સરકાર દ્વારા હજુ વધુ સુચારુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ તેવું આ પ્રસંગ ઉપરથી જોવા મળે છે. ગતરોજ સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત થતું એક વાસ્તવિક દ્રશ્ય સંદર્ભે થોડી વાત આપની સાથે શેર કરવાની છે..
એક વયોવૃદ્ધ દંપતિ એમના જણાવ્યા મુજબ કરજાળા ગામેના રહેવાસી રેશન કાર્ડના પોતાના અંગૂઠા ન આવતાં હોય મામલતદાર કચેરી ખાતે એ આશા સાથે આવેલ કે આમાં મામલતદાર સાહેબ સહી કરી દે એટલે હાંઉ..!! ત્યાં ગામડેથી તે દંપતિને એમ કહેવામાં આવ્યું કે તમારો અંગૂઠાની પ્રિન્ટ રેશન કાર્ડ સંદર્ભે આવતી નથી એટલે મામલતદાર પાસે જઈને સહી કરાવી લો. આ સંદર્ભ એ વયોવૃદ્ધ દંપતિ કે જેના બાળકો બહારગામ સ્થાયી હોય અહીં મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા. એ વયોવૃદ્ધ દંપતિના મુખે જ તેની વાત સાંભળતાં મનમાં એવો પ્રશ્ર ઉપસ્થિત થયો કે હજુ પણ ડીઝીટલ ઈન્ડિયા માટે સરકારે કેવા કેવા પ્રબંધ કરવા જોઈએ.? આવા વયોવૃદ્ધ દંપતિએ પોતાના ગામ કરજાળાથી છેક સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે ધક્કો શા માટે ખાવો પડે?
એ બાબતે પ્રશાસને શું કરવું જોઈએ? સરકારે પણ આવા વયોવૃદ્ધ નાગરિકોને કોઈ કચેરીએ ધક્કો ખાધા વગર પોતાને મળતી તમામ સરકારી સેવાઓ ઘરબેઠાં અપડેટ કેમ થાય? એ સંદર્ભે પણ થોડું મંથન કરી તેનો યોગ્ય પ્રચાર માધ્યમો દ્વારા પ્રચાર કરી નાગરિકોને સુશિક્ષિત કરવા જોઈએ કે કેમ? એ સવાલ આપની સમક્ષ. આજે અટલજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન ગુડ ગવર્નન્સના એક ભાગને વધુ સુગમ રીતે કેમ કાર્યાન્વિત કરવો જોઈએ એ માટે સરકાર તથા એડ્મિનિસ્ટ્રેશન તંત્ર દ્વારા વધુ સરળ અને સકારાત્મક પગલાં કેવા લેવા જોઈએ એ વિશે પણ થોડું મનોમંથન થવું જરૂરી છે.
બિપીન પાંધી સાવરકુંડલા

