વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થીને માર મારી નિર્દયતા પૂર્વક હત્યા નિપજાવી હતી. જેના વિરોધમાં યુનિવર્સિટીના ગેટ ખાતે ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા અને વિદ્યાર્થીની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થાય અને પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી.
કેરળના વિદ્યાર્થીઓની હત્યાનો સુરતમાં વિરોધ
સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે.એસ. સિદ્ધાર્થની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. આ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સિદ્ધાર્થની હત્યાના વિરોધમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા જુદાં જુદાં બેનરો અને કાર્ડ સહિત સૂત્રોચ્ચાર કરી કેરળની ઘટનાને વખોડી હતી.
દેશમાં વિદ્યાર્થીઓની સલામતી માટે ચિંતા
ABVP મીડિયા સંયોજક મનોજ જૈને જણાવ્યું હતું કે, કેરળમાં થયેલી જે.એસ.સિદ્ધાર્થનની હત્યાની ઘટના એ માત્ર પશુ ચિકિત્સક સમુદાયને જ આંચકો આપ્યો નથી, પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. સરકારે આમાં તાત્કાલિક કોઈ પગલાં લેવા જોઈએ. ઉપરાંત જે.એસ. સિદ્ધાર્થની ઘાતકી હત્યાના આરોપી SFIના ગુંડાઓને કડકમાં કડક સજા થવી જોઈએ.સિદ્ધાર્થ અને તેના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી માંગ કરી હતી.