Gujarat

સાયણ ખાતે યોજાયેલ એસવીએસ કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મોર હાઈસ્કૂલની સિધ્ધિ

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, સુરત અને ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલય, સાયણનાં સંયુકત ઉપક્રમે આયોજિત શાળા વિકાસ સંકુલ-10 (નર્મદા) કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2024 સાયણ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાઓનાં બાળ વૈજ્ઞાનિકો દ્રારા કુલ પાંચ વિભાગમાં 90 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
સદર પ્રદર્શનમાં ઓલપાડની કાંઠા વિસ્તારની મોર હાઈસ્કૂલનાં બાળ વૈજ્ઞાનિક પાર્થ રાકેશભાઈ ભગવાકરે વિભાગ-1માં ‘વેસ્ટ વોટર પ્યુરીફિકેશન’ નામક કૃતિ રજૂ કરી પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે. આ સિધ્ધિ બદલ શાળાનાં આચાર્ય પરેશભાઈ વસાવા તથા શાળા પરિવાર, મોર કેળવણી મંડળનાં પ્રમુખ દક્ષાબેન મિસ્ત્રી તેમજ સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે વિદ્યાર્થી પાર્થ ભગવાકર સહિત તેનાં માર્ગદર્શક શિક્ષક મો. સોહેલ શેખને અભિનંદન પાઠવ્યા હતાં.