પ્રકાશપર્વ દિવાળીના તહેવારોની ઉમંગભેર ઉજવણી બાદ વેપારીઓ વિક્રમ સંવત 2081માં લાભપાંચમના વણજોયા શુભ મુહૂર્તમાં બુધવારથી વેપાર-ધંધાનો પુનઃ આરંભ કરશે. પાટણ સિદ્ધપુર હારિજ સહિત જિલ્લાના તમામ શહેરોમાં દિવાળીના મિનિ વેકેશન બાદ ગંજબજારો પણ લાભપાંચમે શ્રી સવાયાના મુહૂર્ત સાથે પુનઃ ધમધમી ઉઠશે.
લાભ પાંચમને ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. આ દિવસ લાભ અને સૌભાગ્ય સાથે જોડાયેલો છે. ગુજરાતમાં દિવાળીના તહેવારો લાભપંચમીના દિવસે પૂર્ણ થાય છે અને આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
લાભપંચમીના દિવસે કરવામાં આવતી પૂજા, પૂજા કરનારના જીવનમાં, વ્યવસાયમાં અને પરિવારમાં લાભ, આરામ અને સૌભાગ્ય લાવે છે. તેથી જ મોટા ભાગના દુકાનમાલિકો અને વેપારીઓ દિવાળીના તહેવારો પછી લાભ પાંચમ પર તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરે છે.
તેથી લાભ પાંચમ એ ગુજરાતી નવા વર્ષનો પ્રથમ કાર્યકારી દિવસ છે. આ દિવસે ઉદ્યોગપતિઓ નવા એકાઉન્ટ લેજર્સનું ઉદ્ઘાટન કરે છે, જેને ગુજરાતીમાં ખાતુ કહે છે. જેમાં ડાબી બાજુ શુભ, જમણી બાજુ લાભ લખી તેમજ પ્રથમ પૃષ્ઠની મધ્યમાં સાથિયો દોરવામાં આવે છે. લાભ પાંચમને જૈન ધર્મમાં જ્ઞાનપંચમી પણ કહે છે.
તે તેમના ગુરુ, સાધુ મહારાજ જોડે જ્ઞાનના ઉપદેશ મેળવે છે. માંગલિક સાંભળે છે. આ દિવસે વેપારી નવી ખાતાવહી શરૂ કરે છે, ખાતાવહીમાં કંકુથી શુભ-લાભ લખે છે અને ભગવાન ગણેશનું નામ લખાય છે અને સાથિયો પણ બનાવે છે. આ દિવસે મંત્રો દ્વારા ભગવાન ગણેશનું ધ્યાન કરાય છે.

