શહેરમાં બે સપ્તાહ બાદ તડકો નીકળતાં તાપમાન 4 ડિગ્રી વધી 29.5 પરથી 33.6 થઈ ગયું હતું. બીજી તરફ ગત વર્ષના 14 જુલાઈની તુલનામાં આ વર્ષે 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સિઝનના સરેરાશ 1422 મીમી સામે 593 મીમી સાથે 41 ટકા વરસાદ થઇ ગયો છે.
2023માં 14 જુલાઇએ ઉકાઇ ડેમની સપાટી 310.22 ફૂટ હતી, જે હાલ 310 ફૂટ છે. આમ, સપાટી 0.22 ફૂટ ઓછી છે. હાલમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક જાવક છે. કોઝવેની સપાટી 5.87 મીટર છે. કામરેજ, માંગરોળ, ઓલપાડમાં ગત વર્ષ કરતા ક્રમશઃ 7, 5 અને 38 ટકા વધુ વરસાદ છે. જ્યારે બારડોલી, ચોર્યાસી, મહુવા, માંડવી, પલસાણામાં ક્રમશઃ 11, 5, 9, 27, 2, 5 ટકા ઓછો વરસાદ છે. આમ, 9માંથી 3 તાલુકામાં વધુ અને 6 તાલુકામાં ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે શહેરમાં વરસાદ વધુ વરસ્યો છે.
રાત્રિનું તાપમાન પણ 1.7 ડિગ્રી વધી 27.5
રવિવારે શહેરમાં તડકો નિકળતાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી વધી ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થયો હતો. મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું. શનિવાર કરતાં લઘુતમ તાપમાન પણ 1.7 ડિગ્રી વધ્યું છે. દક્ષિણ-પૂર્વ દિશાથી 6 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા.
બે દિવસ ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદ શક્ય
ગુજરાતના પર 3 સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરતની સાથે નવસારી, તાપી, ડાંગ, ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે.

