Gujarat

અમરેલીમાં બિયારણ- જંતુનાશકના 35 વિક્રેતાને ત્યાં ખેતીવાડી વિભાગના દરોડા

રાજયભરમા ખેડૂતોને નકલી બિયારણ જંતુનાશક દવા કે ખાતર ધાબડી દેતા લોકો સામે સરકારે દરેક જિલ્લામા કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે અમરેલીમા ખેતીવાડી વિભાગની ખાસ ટુકડીઓએ જુદાજુદા 35 વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી બિયારણનો 364 કિલો શંકાસ્પદ જથ્થો કબજે લીધો હતો.

રાજય સરકાર દ્વારા ખેતીવાડી વિભાગની એક ખાસ ટુકડી પોરબંદરથી અમરેલી મોકલવામા આવી હતી. અને આ ટુકડી દ્વારા અમરેલીમા જુદાજુદા વિસ્તારમા બિયારણ ઉપરાંત જંતુનાશક દવા તથા ખાતરના વિક્રેતાઓને ત્યાં ઓચિંતી ચકાસણી હાથ ધરવામા આવી હતી.

દિવસભરની કાર્યવાહી દરમિયાન આ વિશેષ ટુકડી દ્વારા અમરેલીના જુદાજુદા 35 વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરવામા આવી હતી. 35 પૈકી 19 વિક્રેતાને ત્યાં બિયારણનો જથ્થો શંકાસ્પદ જણાતા 19 સેમ્પલ લેવામા આવ્યા હતા. ઉપરાંત 364 કિલોગ્રામ જેટલા બિયારણનો જથ્થો સ્થળ પર જ સ્થગિત કરી દેવાયો હતો.

તંત્ર દ્વારા રૂપિયા 7.50 લાખનો જથ્થો સ્થળ પર સીઝ કરી દઇ આ તમામ 19 વેપારીઓને નોટીસ પાઠવી ખુલાસો પુછવામા આવ્યો હતો. હાલમા ચોમાસુ માથે છે. ત્યારે ખેડૂતોએ બિયારણ ખાતરની ખરીદી શરૂ કરી દીધી છે.

અનેક વેપારીઓ ખેડૂતોને ઉધાર માલ આપતા હોય ખેડૂતો ઉધાર માલ મળવાની લાલચમા બિયારણની ગુણવતા તરફ ધ્યાન આપતા નથી. જેને પગલે વરસ ભરની ઉપજમા નુકશાની વેઠવી પડે છે. ત્યારે તંત્રએ આજે વ્યાપક પ્રમાણમા દરોડા પાડી શંકાસ્પદ જથ્થો કબજે લીધો છે. જો કે આ બિયારણ નકલી છે કે ગુણવતાયુકત ? તે પ્રયોગશાળામા ચકાસણી બાદ નક્કી થશે. અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.

ચલાલાની પેઢીનું લાયસન્સ 45 દિવસ માટે સસ્પેન્ડ

અમરેલીના ખેતીવાડી વિભાગ દ્વારા ચલાલામા મોહન સીડ્સ નામની પેઢીનો પરવાનો 45 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામા આવ્યો છે. લાયસન્સ અને બોલીની શરતોનો ભંગ થતા સૌપ્રથમ તેને નોટીસ આપી બાદમા પરવાનો સસ્પેન્ડ કરાયો હતો.

આ રીતે લેવાય છે સેમ્પલ

તંત્ર દ્વારા બિયારણના ત્રણ સેમ્પલ લેવાય છે. અને આ સેમ્પલને સીલબંધ કવરમા રાખવામા આવે છે. એક સેમ્પલ પ્રયોગશાળામા મોકલાય છે, એક સેમ્પલ વિક્રેતા પાસે રહે છે. જયારે એક સેમ્પલ ખેતીવાડી અધિકારી પાસે રહે છે. જો સેમ્પલ માન્ય રહે તો વિક્રેતા અને ખેતીવાડી અધિકારી પાસે રહેલા સેમ્પલ ખોલી બિયારણ વિક્રેતાને પરત આપી દેવાય છે.

ખેડૂતોને અધિકૃત બિયારણ ખરીદવા અનુરોધ કરાયો

ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માન્ય બિયારણ જ ખરીદવા અનુરોધ કરાયો છે. ઉપરાંત અધિકૃત વિક્રેતા પાસેથી પાકા બીલ સાથે જ બિયારણ ખરીદવા અપીલ કરાઇ છે.

સેમ્પલની ચકાસણી બાદ આગળની કાર્યવાહી: નાયબ ખેતી નિયામક

પોરબંદરના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એચ.એ.ત્રિવેદીએ જણાવ્યું હતુ કે હાલમા તમામ 19 નમુના સરકાર માન્ય બિયારણ ચકાસણી પ્રયોગશાળામા મોકલી દેવામા આવ્યા છે. તેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ પર લેવાશે.