15 દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારથી તેઓ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અનેક મંત્રીઓ અને રાજકારણી દ્વારા તેમના ખબરઅંતર પૂછવામાં આવ્યા છે. ગઈકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાથી રાજકોટ પહોચ્યા ત્યારે તેમની સાથે મુલાકાત ન થઈ શકી હોવાનો રાઘવજી પટેલને ઘણો વસવસો છે તેમ તેમની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું.
કેન્દ્રીય અને રાજ્ય આરોગ્ય મંત્રીએ મુલાકાત કરી
રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા ગઈકાલે સિનર્જી હોસ્પિટલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન રાઘવજી પટેલ સ્વસ્થ અવસ્થામાં જોવા મળ્યા હતા. મંત્રીઓની મુલાકાત દરમિયાન રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના લોકોને પાણીની તકલીફમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય તે બાબતે વાત કરી હતી. હજુ કેવા સારા પગલા લઈ શકાય જેથી સૌરાષ્ટ્રની જનતાને પાણી માટે વલખા ન મારવા પડે તે બાબતે પણ ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ તેઓને મારા વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરજો તેવું રાઘવજી પટેલે જણાવ્યું હતું.
હવે બ્રેન સ્ટ્રોકની કોઈ અસર રહી નથી
રાઘવજી પટેલની તબિયત વિશે તેમના ડોક્ટર જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ 15 દિવસની સારવાર પછી તેમની સ્થિતિ હાલમાં ઘણી સુધારા પર છે. હાલમાં તેઓ સ્વસ્થ થઈ ગયા છે. સિનર્જી હોસ્પિટલમાં સતત 15 દિવસની સારવાર બાદ રાઘવજી પટેલના શરીરમાં હવે બ્રેન સ્ટ્રોકની કોઈ અસર રહી નથી. હવે તેઓ સ્વસ્થ છે.