રાજ્યભરમાં બહુચર્ચિત GST કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગરમાંથી વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે રાજ્યભરમાં બહુચર્ચિત GST કૌભાંડ માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગર માંથી વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ પર લીધા છે. હજુ પણ ૫૦ શંકાસ્પદ પેઢીઓ તંત્રના ધ્યાને આવી છે અને આ પેઢીઓ કોણે બનાવી તે અંગે તપાસ ચાલી રહી છે.
ધ્રુવી એન્ટરપ્રાઈઝ નામની પેઢી નકલી દસ્તાવેજાે સાથે રજીસ્ટર કરવામાં આવી હતી અને GST નંબર મેળવીને કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવવાના ઉદ્દેશ્ય સાથે અન્ય ૧૨ સંકળાયેલી કંપનીઓને નકલી બિલ મોકલવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા આ અગાઉ એજાજ માલદાર, અબ્દુલકાદર કાદરી, ફૈઝલ શેખ, ઈરફાન જેઠવા, જીગ્નેશ દેસાઈ, પરેશ ડોડીયા, મહેશ લાંગા અને જ્યોતિષ ગોંડલીયાની ધરપકડ કરવામાં આવી હતી.
આ તમામના રિમાન્ડ દરમિયાન પોલીસને મળેલી માહિતીના આધારે આ કેસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવી હતી, અને તે મુજબ આદિલ ખોખર ઉર્ફે એડી, કાદર ખોખર ઉર્ફે નાવડી, અકીલ પઠાણ, શાહરૂખ રંગરેજ, અને સરફરાજ ચૌહાણ આ તમામની ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.પકડાયેલા લોકો પાંચથી પંદર હજાર રૂપિયામાં બોગસ દસ્તાવેજના આધારે રજીસ્ટર કરાવવામાં આવેલી કંપનીઓ ખરીદી અને ૨૫ થી ૫૦ હજાર રૂપિયામાં વેચી મારતા હતા.
ઉપરાંત તેઓએ ૫૦થી વધુ બોગસ કંપનીઓ ખોલી હોવાની વિગત પણ પ્રાથમિક રીતે ધ્યાને આવી હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું. ભાવનગરમાં તપાસનો ધમધમાટ યથાવત તાજેતરના GST કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે પૈકી નવ આરોપીઓ ભાવનગરના છે. આ ઉપરાંત વધુ ભેજાબાજાે આ કૌભાંડમાં સામેલ હોવાની શંકાના આધારે ભાવનગરમાં સતત તપાસનો ધમધમટા ચલાવવામાં આવી રહ્યો છે.

