Gujarat

સુરતમાં તમામ શિવ મંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા, ઠેર-ઠેર શિવ મંદિરોમાં શિવરાત્રીને લઈ અનેકવિધ કાર્યક્રમ

આજે શિવરાત્રીના મહાપર્વને લઇ શહેરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ મહાદેવના ભક્તો ભીડ જામી છે. તમામ શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા શિવ મંદિરોમાં ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું છે. શિવરાત્રીને લઈ શહેરના અનેક શિવ મંદિરોનો આકર્ષક લાઈટો સાથે વિશેષ શણગાર કરાયો છે. ઠેર-ઠેર ભંડારાથી લઈ ભજન, હવન અને રુદ્રાભિષેક સુધીના કાર્યક્રમો કરાયા છે.

સવારથી જ ભક્તોની ભીડ જામી

આજે શિવરાત્રીના પર્વ પર સુરતમાં સવારથી જ મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ સમગ્ર સુરતમાં દેવોના દેવ મહાદેવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શિવાલયોમાં વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન અને પૂજા કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી છે. ઠેર-ઠેર મંદિરોમાં ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિરો ગૂંજી રહ્યા હોવાથી સમગ્ર શહેર જાણે ભક્તિમય માહોલમાં ડૂબી ગયુ હોય એવું લાગી રહ્યું છે. જુદા-જુદા શિવાલયો દ્વારા ખાસ વિવિધ આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આજે મહાશિવરાત્રીના પર્વને લઈ સુરતમાં ઠેકઠેકાણે મહાપ્રસાદીથી લઇ ભજન ડાયરાઓ,પૂજા-અર્ચના, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.

સુરતમાં ઠેકઠેકાણે મહાપ્રસાદીથી લઇ જુદા-જુદા ધાર્મિક આયોજનો કરાયા

ભક્તોની ભીડને પહોંચી વળવા શિવાલયમાં વિશેષ વ્યવસ્થા

શહેરના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવનાર શિવ મંદિરોમાં ભક્તોનું સવારથી સાંજ સુધી ભારે ઘોડાપૂર જોવા મળી રહેશે. સુરતના અટલ આશ્રમ પરદેશ્વર મહાદેવ મંદિર, કર્મનાથ મહાદેવ મંદિર, રુંઢનાથ મહાદેવ મંદિર, ઈચ્છાનાથ મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર, કંતરેસ્વર મહાદેવ જેવા ખૂબ જ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરો શહેરમાં છે. આ મંદિરોમાં ભક્તોની સવારથી લઈ સાંજ સુધી ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે ભક્તોની ભીડને પહોંચી વળવા શિવાલયનાં સંચાલન કરતા લોકો દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મંદિરોમાં ભક્તોની સવારથી લઈ સાંજ સુધી ભારે ભીડ જોવા મળશે

શહેરના શિવાલયોનો આકર્ષક શણગાર

સુરતમાં મહાશિવરાત્રીના પર્વને લઇ શિવાલયોનો આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. શહેરના જુદા-જુદા શિવ મંદિરોને આકર્ષક લાઈટ સાથે વિષય શણગાર કરાયો છે. એટલું જ નહીં અનેક મંદિરોમાં ઘીના કમળથી લઈ અન્ય ફૂલો દ્વારા શિવનો વિશેષ શણગાર પણ કરાયો છે. મંદિરોના આકર્ષક શણગાર જોઈ સમગ્ર શહેર ભક્તિમય બની રહ્યું છે.

ભોળાનાથને રીઝવવા અભિષેક​​​​​​​ કરાયા

ભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથને આજે રીઝવવાના પ્રયાસો કરતાં હોય છે.ભક્તો દ્વારા આજે ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ,નાગકેસર સહિતનાં દૃવ્યોથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરી રહ્યા છે. સાથે જ લોકો બિલ્વપત્ર તેમજ ધતુરાના ફૂલ પણ ચડાવી રહ્યા છે.ત્યારે આજે સમગ્ર સુરત શહેર શિવમય બની મહાદેવની ભક્તિમાં લીન થઇ ગયું છે. અને શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.