100 મીટરના વિસ્તારમાં 3થી વધુ વાહનો રાખવા/હંકારવા પર પ્રતિબંધ
ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં ૩ કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવાની મંજૂરી મળવાપત્ર નથી. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવી લેવાની રહેશે, તથા તેને સંબંધિત વાહનોના વિન્ડ સ્ક્રીન પર બહારથી જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે.
વિવિધ કૃત્યો પર જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ, ચાળા અને નકલ કરી શકાશે નહિં
જે મુજબ છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના મદદનીશ નિવાર્ચન અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરીણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, કે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ રહેશે.
4 કરતા વધુ વ્યક્તિઓની મંડળી રચવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ
ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી તેથી સમગ્ર જિલ્લામાં જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં સરઘસ, સભા યોજવા કે તેમાં ભાગ લેવા તેમજ હથિયાર સાથે જાહેર સ્થળોએ ફરવા પર પ્રતિબંધ
જામનગર જિલ્લાના આત્મ રક્ષણના તથા પાક રક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના પરવાનાવાળા હથિયારો સાથે કોઈ સરઘસ કાઢવા, કોઈ સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
ઉમેદવારી ફોર્મ ભરવા સમયે 5 કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
લોક સામાન્ય ચૂંટણી -2024 અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી તા. 7 મે 2024ના મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જામનગર : જામનગર શહેર-જિલ્લામાં લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ કલેકટર દ્વારા જાહેરનામા ધડાધડ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં સભાસરઘસ પર પ્રતિબંધ, મતદાન મથકની 200 મીટરમાં ચૂંટણી કાર્યાલય ખોલવા ઉપર મનાઇ, પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું જાહેરનામું, ચોપાનીયાના મુદ્રણ અને પ્રસિદ્ધ પર નિયત્રણ તેમજ ભાષણો, નકલો, નિશાનીઓ વગેરે પર પ્રતિબંધ તેમજ ચૂંટણી પ્રસાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન ન કરવા અને ચૂંટણી અધિકારીની કચેરીમાં 100 મીટરના વિસ્તારમાં 3થી વધુ વાહનો હકારવા પર પ્રતિબંધ તેમજ ફોર્મ ભરવા માટે પાંચ વ્યકિતઓને પ્રવેશ અાપવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી અને ફોજદારી ફરિયાદ નોંધવાના પણ આદેશ આપવામાં આવ્યા છે, આ ઉપરાંત આચાર સહિતના અમલીકરણ માટે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં ખોલવા ઉપર પ્રતિબંધ
{ ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષાણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ/ સંકુલની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે.
{ ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. આવા બેનરની સાઈઝ ૪ ફુટ × ૮ ફુટની મર્યાદામાં રાખવાની રહેશે.
{ કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહી.
{ સ્થાનિક સતા મંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે.
{ ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે.
પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા
જામનગર જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના હથિયાર 7 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવાના રહેશે. જિલ્લાના જે પરવાનેદારોએ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ મેળવવાને પાત્ર હોય તેઓએ જિલ્લા કક્ષાએ ૪ દિવસમાં સ્ક્રિનિંગ કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે.
ચુંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન ન કરવા પર પ્રતિબંધ
કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જાહેર સાહસોના મકાનો, વીજળી, ટેલિફોનના થાંભલાઓ પર ચૂંટણી પ્રચારના ઇરાદાથી કોઈપણ ચૂંટણી અંગેનું બેનર, ચિહ્નો, આકૃત્તિઓ, પોસ્ટર અથવા ચૂંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવું નહિ, કમાનો પણ ઊભી કરવી નહિ. મકાનો ઉપર ચૂંટણી પ્રચાર સંબંધિત કોઈપણ સાહિત્ય મકાન માલિકની પૂર્વ મંજૂરી સિવાય પ્રદર્શિત કરવું નહિ.
ચોપાનીયાંના મુદ્રણ અને પ્રસિદ્ધિ પર નિયંત્રણ
કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી/ કરાવી શકાશે નહિ. પ્રકાશકની ઓળખ અંગેના 2 વ્યક્તિઓએ શાખ કરેલા એકરારનામાંની 2 નકલ મુદ્રકને અને દરેક મુદ્રણાલયોમાં ફોટોકૉપી કરનાર, રૉનિયો કોપી કાઢનાર કે કોમ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની 1 નકલ અધિકૃત કરી તથા છાપેલ સાહિત્યની એક નકલ વધારાની 3 નકલ સાથે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને 3 દિવસમાં મોકલી આપવાની રહેશે.

