Gujarat

જેતપુરમાં 8 મીમી વરસાદ નોંધાયો, પાણીમાં તણાઇ જતાં 80 વર્ષીય વૃદ્ધાનું મોત; વૃક્ષની ડાળ તૂટતા બે ઇજાગ્રસ્ત

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, હરીપર અને મેવાસા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી.

આ સાથે વરસાદી પાણીમાં તણાઇ જવાથી 80 વર્ષીય વૃધ્ધાનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ગોંદરા વિસ્તારમાં વૃક્ષની ડાળ તૂટી પડતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગાજવીજ સાથે ભારે પવન ફુંકાવાનો શરૂ થયો હતો અને સત્તાવાર આંકડા મુજબ જેતપુર તાલુકામાં 8 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.

ગાજવીજ સાથે મેઘરાજાએ પધરામણી

હવામાન વિભાગ દ્વારા આજથી વિધિવત ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોર બાદ સાંજના સમયે વરસાદી માહોલ છવાયો હતો અને જિલ્લાના જેતપુર તાલુકામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી.

વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકના વાતાવરણમાં સાંજના સમયે પલટો આવ્યો હતો અને પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેતપુર તાલુકાના ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા, હરીપર સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા થયાં હતા. આ વખતે પડેલી ભારે ગરમી અને ઉકળાટ બફારા વચ્ચે પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વૃદ્ધાનું પાણીમાં તણાતા મોત નીપજ્યું

આ તરફ જેતપુરના હરિપર ગામે વૃદ્ધા પાણીમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધા પોતાના ખેતરથી ઘરે તરફ જતા હતા. આ સમયે પાણીમાં તણાયા હોવાનું અનુમાન ગામ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.

હરિપર ગામે ખળખળીયા ત્રિવેણી હોકળામાંથી પસાર થતા સમયે અચાનક વરસાદી પાણી આવી જતા હરિપર ગામના જ મોંઘીબેન લાલકીયા નામના વૃદ્ધાનું પાણીમાં તણાતા મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા સ્થાનિક લોકો વારા વૃદ્ધાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

વૃક્ષની ડાળી તૂટી પડતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

તો બીજી તરફ ભારે પવન ફૂંકાતા ગોંદરા વિસ્તારમાં એક વૃક્ષની વિશાળ ડાળ તૂટી પડી હતી. આ દરમિયાન વૃક્ષ નીચે બેસેલા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ભરત બાવચંદભાઈ બારડ (ઉ.48) અને સંભુભાઈ સવસીભાઈ મકવાણા (ઉ.50) બંને ઇજાગ્રસ્તોને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.