પતિએ ક્રિકેટમાં ૧.૫ કરોડ ગુમાવ્યાં હતા, ૧૩માંથી ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી
કર્ણાટકના એક એન્જિનિયરે ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં રૂ. ૧.૫ કરોડ ગુમાવ્યા બાદ તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે અને પોતાની સુસાઈડ નોટમાં પતિએ પૈસા ઉછીના લીધા હતા તે લોકો પર ઉત્પીડનનો આરોપ લગાવ્યા છે. હવે સુસાઈડ નોટના આધારે પોલીસે આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ ૧૩ લોકો સામે કેસ નોંધ્યો છે. ૧૩માંથી ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ કિસ્સો કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હોસાદુર્ગાનો છે, જ્યાં લઘુ સિંચાઈ વિભાગમાં કામ કરતા દર્શન બાલુ નામના આસિસ્ટન્ટ એન્જિનિયરે અમીર બનવાની ઘેલછામાં ક્રિકેટના સટ્ટામાં લગભગ ૧.૫ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા અને જ્યારે તે પૈસા પરત કરી શક્યો ન હતો ત્યારે તેણે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લીધા, પૈસા આપનારાઓએ અવારનવાર તેના ઘરે આવી પત્નીને હેરાન કરવાનું શરૂ કર્યું. જેનાથી કંટાળીને દર્શનની પત્ની રંજીતા વી.એ આત્મહત્યા કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ૨૪ વર્ષની રંજીથાએ સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિએ જેમની પાસેથી લોન લીધી હતી તે લોકો અવારનવાર તેમના ઘરે આવીને હેરાન કરતા હતા. જેનાથી કંટાળીને તેણે આ ભયાનક પગલું ભર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પૈસા ઉછીના આપનારાઓએ જાે બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો સમગ્ર પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી. આ જાેઈને રંજીતા ગભરાઈ ગઈ અને ૧૯ માર્ચે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક રંજિતાના પિતાએ હવે ૧૩ લોકો સામે પોલીસ કેસ કર્યો છે જેમની પાસેથી તેમના જમાઈ દર્શને લોન લીધી હતી. ફરિયાદના આધારે, ૧૩ શકમંદો વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ૧૩ આરોપીઓમાંથી ત્રણ (શિવુ, ગિરીશ અને વેંકટેશ)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય હજુ પણ ફરાર છે.
દર્શન અને રંજીતાને બે વર્ષનો પુત્ર પણ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દર્શને લોન લેનારાઓને રૂ.૧.૫ કરોડની મોટાભાગની લોન પરત કરી દીધી હતી. હવે માત્ર ૫૪ લાખ રૂપિયા જ બાકી હતા. જાેકે, દર્શનના સસરાએ પોતાની ફરિયાદમાં તેને નિર્દોષ જાહેર કર્યો છે. ફરિયાદ મુજબ, દર્શનને સટ્ટાબાજીમાં રસ ન હતો પરંતુ લોન શાર્કે તેને જાણીજાેઈને લાલચ આપીને આ જાળમાં ધકેલી દીધો હતો.