6 વર્ષ અગાઉ અંજારમાં અમૂલ દૂધની એજન્સી આપવાના બહાને બે અલગ અલગ લોકો સાથે સાડા 10 લાખ રૂપિયાની ઠગાઈ કરી ફરાર થઈ ગયેલી માથાભારે મહિલા (બબિતા) અને તેનો દીકરો સૌરભ અંતે વડોદરાથી ઝડપાઈ ગયા હતા.
અંજાર પોલીસ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે બંનેને વડોદરાથી અંજાર પકડી લાવી છે. છ વર્ષ અગાઉ મેઘપર બોરીચીના મંગલેશ્વરનગરમાં રહેતી બબિતા, તેના પતિ શૈલેન્દ્રસિંઘ રાજપૂત અને પુત્ર સૌરભે નેન્સી માર્કેટીંગના નામે અમૂલ દૂધની એજન્સી શરૂ કરી હતી.
સૌપ્રથમ તેમણે ગળપાદરના ગુરુકૃપાનગરમાં રહેતાં રતનલાલ પરિહાર નામના વેપારીને ભાડા કરારથી દૂધની એજન્સી ચલાવવા આપી ચાર લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. નાણાં મેળવ્યાં બાદ એકાએક બબિતાએ રતનલાલ પાસેથી એજન્સી પરત લઈ લીધી હતી અને રતનલાલે નાણાં પરત માંગતા તે ભૂલી જવાનું કહીને થાય તે કરી લેવા કહ્યું હતું. આ મામલે રતનલાલે 30/12/2018ના રોજ અંજાર પોલીસ મથકે ત્રણેય સામે ચિટિંગની ફરિયાદ નોંધાવી હતી.
બબિતાના ગુના અંગેના સમાચારો વાંચીને મેઘપર બોરીચીમાં રહેતી મીનાબેન નાખવાની નામની અન્ય એક ગૃહિણીએ પણ 06/01/2019ના રોજ બબિતા અને તેના પતિ, પુત્ર સામે 6.50 લાખના ચિટિંગની ફરિયાદ નોંધાવી હતી. બબિતાએ મીનાબેન સાથે પણ દૂધની એજન્સી આપવાના બહાને ઠગાઈ કરી હતી અને પાછળથી રૂપિયા નહીં મળે અને ફરી માંગવા આવતી નહીં કહીને ધાક-ધમકી કરી હતી.
બંને ગુનામાં બબિતાના પતિ શૈલેન્દ્રની ધરપકડ થઈ હતી, પરંતુ બિબતા તથા તેનો પુત્ર સૌરભ ફરાર થઈ ગયાં હતાં. છ વર્ષ દરમિયાન બબિતા અને સૌરભે પોલીસની આંખમાં ધૂળ નાખવા ઘણી પેરવી કરી હતી, પરંતુ અંતે પોલીસે તેમને વડોદરાથી ઝડપી લીધાં હતા.