Gujarat

ઉનામાં 3 વર્ષ પહેલા 60 લાખથી વધુની લૂંટમાં સંડોવાયેલો વધું એક આરોપી અમદાવાદથી ઝબ્બે…પોલીસે તેના પર દસ હજારનું ઈનામ જાહેર કયુ હતુ

ઉનામાં ત્રણ વર્ષ પૂર્વે ઉના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રૂા.60 લાખથી વધુની માલમત્તાની લૂંટના બનાવમાં પોલીસે પાંચ આરોપીઓને પકડી પાડયા હતા. જ્યારે આ છઠ્ઠો આરોપી નાસી જતા તેને પકડવા પોલીસે દસ હજારનું ઈનામ જાહેર કર્યું હતું. દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી અમદાવાદ માંથી તેને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

ઉના શહેરમાં આવેલી સોમાભાઈ રામદાસ આંગડિયા પેઢીના કર્મચારી ગત તા. 19ઓકટોબર 2021ના વહેલી સવારે ઉના બસ સ્ટેશનમાં દીવ – ભાવનગર રૂટની બસમાં જવા માટે ચડતા હતા. ત્યારે મોઢે બુકાની બાંધેલો કોઈ અજાણ્યો ઈસમ કર્મચારી પાસે રહેલા થેલાની લૂંટ કરી નાસી ગયો હતો. આ થેલામાં રોકડા રૂપિયા, હીરાના પેકેટો અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 60 લાખ 80 હજાર 250ની માલમત્તા હતી.
આ લૂંટની દાખલ થયેલી ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. અને ત્યારે થોડા દિવસોમાં જ પાંચ આરોપીઓને પકડી પાડી રૂ. 17 લાખ 57 હજાર 580નો મુદામાલ રિકવર કર્યો હતો. આ લૂંટના ગુનામાં સંડોવાયેલો અને કાર ચલાવતો આરોપી મૌલિકસિહ ઉર્ફે મુન્નાબાપુ રણમલસિંહ વાઢેર રહે. રણોદતા તા.શંખેશ્વર જિલ્લો પાટણ હાલ જમખૂર્દ ગામ, જામગેટ તા.મૈવ જી.ઇન્દોર છેલ્લા ત્રણ વર્ષથી ફરાર થઈ ગયો હતો. તેની સામે વર્ષ 2023માં ગેર કાયદેસર હથિયાર રાખવાનો ગુનો પણ ડી.સી.બી. પોલીસ સ્ટેશન અમદાવાદમાં નોંધાયો હતો.
આથી પોલીસે તેને પકડવા તેની પર રૂા. 10હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. એ દરમ્યાન અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપી મૌલિકસિંહ મધ્યપ્રદેશમાં ઈન્દોર જિલ્લાના મેવજી તાલુકાના જામખા ગામે જામ ગેટમાં પોતાની ઓળખ છૂપાવી રહેતો હોવાનું અને તે અમદાવાદ આવ્યો હોવાની બાતમી મળી હતી. આ હકીકતના આધારે સીટી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી અમદાવાદમાંથી પકડી પાડયો હતો. ઉના પોલીસ લૂંટના ગુનામાં આરોપીનો કબજો મેળવવા ટૂંક સમયમાં અમદાવાદ જશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.