Gujarat

અમદાવાદ સિવાય ગુજરાતમાં 40 ડિગ્રી અંદર તાપમાન પહોંચ્યું, સવારથી વાદળછાયું વાતાવરણ, બફારો અકળાવશે

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો પારો સતત ઘટી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પર સૂર્યનો પ્રકોપ હજી જોવા મળી રહ્યો છે. કારણ કે, ગત 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હજુ પણ તેમાં ઘટાડો થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આટલા તાપમાન સાથે પણ અમદાવાદ ગઈકાલે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બાકીના અન્ય શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું નોંધાયું હતું. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આથી સામાન્ય બફારો અકળાવી શકે છે.

આવતીકાલે 31 મેએ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે

પવનો દરિયાના ભેજને ખેંચી લાવે છે

આજે પણ આ સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફૂંકાવાને કારણે શહેરીજનોને ગરમીનો અનુભવ પણ ઓછો થાય છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી ગુજરાત રાજ્ય ઉપર આવતા પવનો દરિયાના ભેજને ખેંચી લાવે છે તેને કારણે મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં દિવસ દરમિયાન છૂટાછવાયું વાદળછાયું વાતાવરણ રહે છે.

વાદળછાયા વાતાવરણથી ગરમી ઘટશે

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીનો અનુભવ ઓછી માત્રામાં થઈ રહ્યો છે. જ્યારે આ સ્થિતિ સમગ્ર દિવસ દરમિયાન યથાવત્ રહે તેવી શક્યતા છે. આજે 25થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે ગરમીનો અહેસાસ ઓછો થશે અને સામાન્ય બફારો અનુભવાશે.