Gujarat

જામનગરના બેડી વિસ્તારમાં 10 જેટલા શખ્સો હથિયારો લઈ તૂટી પડ્યા, હારૂન પાલેજા વ્યવસાયે વકીલ હતા

જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજાની બુધવારે સાંજે બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. હારુન પાલેજા બેડી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ 10 જેટલા શખ્સો તિક્ષણ હથિયારો લઈ તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પર પહોંચી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં જામનગરના વકીલ મંડળ દ્વારા આવતીકાલે કોર્ટ કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરી છે.

બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી

જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા અને વકીલાત કરતા હારુન પાલેજા આજે સાંજના સમયે પોતાનું મોટર સાયકલ લઈને બેડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 10 જેટલા શખ્સોએ તેમને આંતરી તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હારુન પાલેજાને તાત્કાલીક જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો દોડ્યો

બેડી વિસ્તારમાં બનેલા હત્યાના આ બનાવના પગલે જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો બેડી વિસ્તારમાં અને હોસ્પિટલ પર પહોંચ્યો હતો. હત્યાના બનાવને અંજામ આપી નાશી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

હારૂન પાલેજા સિક્કા ન.પા.ના પ્રભારી હતા

જામનગરમાં વકીલાત કરતા અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હારૂન પાલેજા હાલ સિક્કા નગરપાલિકાના પ્રભારી તરીકે કાર્યરતા હતા. જ્યારે તેમના ભત્રીજા નુરમામદ પાલેજા હાલ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કાર્યરત છે.

ઘટનાસ્થળ પરની તસવીર

આરોપીઓની શોધખોળ હાથ ધરી છે- એસપી

જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ કહ્યું હતું કે, હારુન પાલેજાની હત્યા કરવામાં આવી છે. આ બનાવ બાદ બેડી વિસ્તારમાં કોમ્બીંગ કરવામાં આવી રહ્યું છે. જે આરોપીઓ હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. જામનગર એલસીબી, એસઓજી સહિતની ટીમો આરોપીઓની શોધખોળ કરી રહી છે. આસપાસના જિલ્લાઓની પોલીસના પણ સંપર્કમાં છીએ.

જામનગરના વકીલો આવતીકાલે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે

વકીલ અને કોંગ્રેસ નેતા હારૂન પાલેજાની સરાજાહેર હત્યા કરી દેવાતા જામનગર વકીલ મંડળમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં ગુરુવારે જામનગર વકીલ મંડળના તમામ સભ્યોએ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

હત્યાના બનાવ સ્થળ પર પોલીસ કાફલો

6 વર્ષમાં જામનગરમાં બીજા વકીલની હત્યા

જામનગરમાં આજે વકીલ અને કોંગ્રેસ નેતા હારૂન પાલેજાની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. આ રીતે જ આજથી 6 વર્ષ પહેલા વર્ષ 2018માં જાણીતા વકીલ કિરીટ જોશીની જામનગર શહેરના ટાઉનહોલ વિસ્તારમાં જયેશ પટેલના સાગરિતો દ્વારા સરાજાહેર હત્યા કરી દેવામાં આવી હતી.