Gujarat

સુરત આશ્રમશાળાના નરાધમ આચાર્યના ૩૭ જેટલી સગીરાએ ખોલ્યા કરતૂત

જે પણ વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવે તો તેણે તરત જ દોડીને પહોંચી જવું પડતું હતું સુરતના માંડવીની આશ્રમશાળાના ચકચારભર્યા કેસમાં એક પછી એક ૩૭ જેટલી સગીરાએ ૫૨ વર્ષના આચાર્યના કરતબતો ખોલ્યા છે. આરોપી આચાર્ય યોગેશ નાથુ પટેલે ૧૨-૧૫ વર્ષની ૩૭ જેટલી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાનો ખુલાસો થયો છે.

આ તમામ વિદ્યાર્થિનીઓનાં ફરિયાદના આધારે સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાશે.પોલીસે આચાર્યની હેવાનિયતનો ભોગ બનેલી તમામ ૩૭ વિદ્યાર્થિનીઓની મેડિકલ તપાસ કરાવી છે.આદિવાસી વિસ્તારોમાં રહેતા ગરીબ માતા-પિતા તેમની દીકરીઓને માંડવીના નરેણ આશ્રમશાળામાં ભણવા મોકલતાં હતાં.

આશ્રમશાળામાં અભ્યાસ કરતી ૮૦ વિદ્યાર્થિનીની જવાબદારી આ આશ્રમશાળાના આચાર્ય પર હતી. પરંતુ કોઈને ખબર ન હતી કે, જે આચાર્ય પર વિશ્વાસ રાખીને તેઓ પોતાની દીકરીઓને ભણાવવા માટે આશ્રમશાળા મોકલ્યા છે તે જ આશ્રમશાળાના આચાર્ય તેમની સાથે છેડતી કરશે. નરેણ આશ્રમશાળાના લંપટ આચાર્ય યોગેશ પટેલે અત્યારસુધી ૩૭ જેટલી છોકરીઓ સાથે અડપલાં કર્યા છે અને આ અંગે છોકરીઓએ મહિલા અધિકારી અને પોલીસ સામે નિવેદન આપ્યા છે.

જેના આધારે બે દિવસમાં આ તમામ ૩૭ છોકરીઓની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે.આશ્રમશાળાની ૩૭ છોકરીએ આચાર્ય વિરુદ્ધ નિવેદન આપ્યાં છે. જેને સાંભળી માત્ર મહિલા અધિકારી નહીં, પણ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્‌યા હતા. એકસાથે એક જ આશ્રમશાળામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ જ્યારે પોતાના આચાર્ય વિરુદ્ધ આપવીતી સંભળાવી ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. હવે આ તમામ ૩૭ વિદ્યાર્થિનીઓ સીઆરપીસી ૧૬૪નું નિવેદન આપશે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે નિવેદન આપનારને કોટરૂમમાં મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવે છે અને તેમનો સ્ટાફ અને નિવેદન નોંધાવનાર સિવાય કોઈ હાજર હોતું નથી.

જેના કારણે એવું માનવામાં આવે છે કે, જે આરોપી અથવા તો સાક્ષી મેજિસ્ટ્રેટ સામે બિલકુલ કોઈ જાતના ભય વગર સાચું બોલી શકશે. આ સાથે જ તેને સત્ય બોલવાના શપથ પણ લેવડાવવામાં આવે છે. આ તમામ બાળકીઓ હવે લંપટ આચાર્ય વિરુદ્ધ મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધાવશે.માંડવીથી કીમ જતા રોડ ઉપર આવેલી નરેણ આશ્રમશાળામાં આચાર્ય તરીકે યોગેશ નાથુ પટેલે ધો. ૬, ૭ અને ૮ની ૧૩ વર્ષથી લઈ ૧૫ વર્ષની વિદ્યાર્થિનીઓ સાથે અવારનવાર શારીરિક અડપલાં અને છેડતી કરી હતી.

આ અંગે ગાંધીનગર સુધી ફરિયાદ જતા આખરે બે મહિલા અધિકારીઓ આશ્રમશાળા પહોંચી હતી અને જ્યારે તેઓએ પૂછપરછ હાથ ધરી ત્યારે ૫ કે ૧૦ નહી પરંતુ ૩૭ જેટલી વિદ્યાર્થિનીઓએ પોતાના આચાર્યનાં કરતૂત મહિલા અધિકારીઓને જણાવ્યાં હતાં અને નિવેદન આપ્યું હતું.

થોડા દિવસ પહેલાં ગાંધીનગર શિક્ષણ વિભાગમાં એક ફોન આવે છે અને ફોન કરનાર કહે છે કે, સર, સુરતના માંડવીની નરેણ ગામની આશ્રમશાળાનો શિક્ષક વિદ્યાર્થિનીઓને શારીરિક રીતે હેરાન કરે છે. આ વાત સાંભળી સામેના અધિકારીએ આદિજાતિ વિકાસ અધિકારી અંજુબેન કાંબડને ફોન કરી કહ્યું કે, ત્યાં શું પરિસ્થિતિ છે તેની મુલાકાત લો અને જાે કંઈ એવું હોય તો તેની સામે ફરિયાદ નોંધો.