Gujarat

રાત્રે હમીરસર તળાવ પાસેના જાહેર માર્ગે વીજ તારમાં શોર્ટ સર્કિટથી ભયનો માહોલ સર્જાયો, સદભાગ્યે જાનહાનિ ટળી

હવામાન વિભાગની આગાહી અંતર્ગત ગઈકાલે રાજ્યના વાતાવરણમાં અનેક સ્થળે પલ્ટો આવ્યો હતો, જેની અસર મોડી સાંજે કચ્છમાં પણ વર્તાઈ હતી અને ગાંધીધામ અને આસપાસના સંકુલમાં પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા,તો ભુજમાં રાત્રિના 11 વાગ્યાના અરસામાં આંધી ફૂંકાઈ હતી.

આ દરમિયાન ભુજ શહેરના હમીરસર તળાવ સ્થિત રાજેન્દ્ર બાગ પાસેથી પસાર થતા માર્ગે વિજ તારમાં શોર્ટ સર્કિટ થઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગના તણખા માર્ગ સુધી ઝરતા રહ્યા હતા. જેને લઈ ખેંગાર બાગથી કૃષ્ણાજી બ્રિજ તરફ જતા વાહનો ઉભા રહી ગયા હતા.

15 થી 20 મિનિટ સુધી ચકેલા આગના ઘટનાક્રમથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. સદભાગ્યે આ બનાવમાં જાનહાની ટળી હતી.

આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મોડી રાત્રે અચાનક ફૂંકાયેલા પવનના કારણે હમીરસર તળાવ પાસેના માર્ગે વિજ તાર એકમેક સાથે ગુંજવાઈ જતા શોર્ટ સર્કિટ થઈ હતી, જેના કારણે ભયજનક આગના તણખા માર્ગ સુધી ઉડતા રહ્યા હતા.

વિજ તારની આગે મિનિટો સુધી કૃષ્ણાજી બ્રિજ તરફ જતા વાહનો માટે અવરોધ ઉભો કર્યો હતો. બીજી તરફ તળાવની સામે પાળે બેઠેલા લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો ,તો મોટા ભાગના લોકોએ ઘર તરફ ચાલતી પકડી હતી. સદભાગ્યે ઘટનામાં જાનહાની ટળી હતી. બનાવના પગલે વિજ વિભાગે તૂટેલા તારની મરમ્મત હાથ ધરી સુરક્ષિત કર્યા હતા.