આજે જામનગર શહેરમાં આવેલ પ્રસિદ્ધ વેદનાથ મહાદેવ મંદિરમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની જેમ ભસ્મ આરતી કરવામાં આવી. શ્રાવણ માસના પ્રારંભે જ પ્રથમ સોમવારે ભોળાનાથને આરતી કરવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપડી પડ્યા હતા. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમવારે સવારે શહેરમાં આવેલ પ્રસિદ્ધ વેદનાથ મહાદેવ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવશે. ત્યારબાદ મહાદેવની પૂજા, અર્ચના અને અભિષેક કરી અને દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજરોજ પવિત્ર શ્રાવણ માસમાં પ્રારંભ થયો છે અને શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી શિવભક્તો ભોળાનાથને રિઝવવા માટે અધિરા બન્યા છે.

શ્રાવણ માસના પ્રારંભ સાથે શહેરના શિવાલયોમાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. સવારથી જ ઝરમર વરસાદી ઝાપટાં વચ્ચે શિવ ભક્તોની શિવ મંદિરોમાં લંબી કતારો જોવા મળી છે. વરસાદ વચ્ચે પણ ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય શિવાલોયમાં સવારથી શિવ ભક્તો પૂજા અર્ચના અને અભિષેક માટે પહોંચ્યા હતા અને ભગવાન શિવની આરાધના કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, ભીડભંજન, સિધ્ધનાથ, બેડેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, હાટકેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક શિવમંદિરોમાં શિવભકતો ભોળાનાથને રિઝવવા ભક્તોની ભીડ લાહી છે. લાંબી કતારમાં ઉભીને પણ જળાભિષેક, દુગ્ધાભિષેક કરી પૂજા, અર્ચના કરી હતી. તેમજ બિલિપત્ર, પૂજા પણ કરી હતી. શ્રાવણ માસ હોય શિવાલયોમાં દરરોજ અવનવા શ્રૃંગાર દર્શન થઇ રહ્યા છે.

જામનગર શહેરમાં આવેલ ચારેય દિશાએથી દર્શન થઇ શકતું એકમાત્ર એવું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આકર્ષક શૃંગાર દર્શન યોજાયા હતા. શ્રાવણ માસ દરમિયાન દરરોજ અલગ અલગ શૃંગાર કરવામાં પણ આવે છે જેનો શિવભકતોએ મોડી રાત્રી સુધી દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

