Gujarat

ક્ષમતા 5000ની, અટલ સરોવર માત્ર 3 કલાકમાં 20,000 લોકોથી ‘ઓવરફ્લો’!

રાજકોટ શહેરને અટલ સરોવર તરીકે નવું નજરાણું મળ્યું છે. ખુલ્લું મુકાયાના પ્રથમ રવિવારે જ અટલ સરોવર માનવ મહેરામણથી છલકાઈ ગયું હતું અને આ જ કારણે લોકોને ટિકિટ લેવામા પણ લાંબી કતારો લગાવવી પડી હતી. ક્ષમતા કરતા પણ વધારે લોકો આવી જતા તંત્ર જ વેરવિખેર થઈ ગયું હતું.

રવિવાર એટલે રજાનો દિવસ અને તેમાં પણ આકરા તાપને બદલે અચાનક વાદળો છવાતાં ગરમીમાં રાહત થઈ હતી. આવી મોસમ હોય એટલે રાજકોટીયન્સને બહાર ફરવાની ઈચ્છા થયા વગર ન રહે એટલે લોકો ફરવા માટે સીધા પહોંચી ગયા અટલ સરોવર. સાંજે ટિકિટબારીએ અચાનક લાંબી લાઈનો લાગી ગઈ અને જોત જોતામાં દેકારો બોલી ગયો હતો. જેને લઈને એજન્સીએ તુરંત જ 10 ટિકિટ કાઉન્ટર ખોલ્યા હતા આમ છતાં ભીડ કાબૂમાં આવી ન હતી અને મોડી રાત સુધી પ્રવેશ ચાલુ જ રહ્યો હતો.

જેને લઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એજન્સીએ આ અટલ સરોવર એક સાથે 5000 લોકોની ક્ષમતા ગણીને ડિઝાઈન કર્યું હતું. તેને બદલે રવિવારે માત્ર 3 જ કલાકમાં 20,000 લોકો આવી ગયા હતા આ કારણે ટિકિટ કાઉન્ટરથી માંડી એન્ટ્રી ગેટ સહિતની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આ કારણે પોલીસ પણ બોલાવવી પડી હતી જેથી વાહનોનો ટ્રાફિક તેમજ લોકોના ટ્રાફિકને યોગ્ય રીતે સંભાળી શકાય.

અટલ સરોવર શહેર માટે નવું આકર્ષણ છે તેથી લોકોની ભીડ વધે તે સ્વાભાવિક છે પણ રાજકોટવાસીઓનો આ મિજાજ કોન્ટ્રાક્ટર એજન્સી માપી શકી ન હતી. જેને લઈને મહાનગરપાલિકાએ ટિકિટ વ્યવસ્થા કરવા માટે નોટિસ આપી છે તેમજ વ્યવસ્થા જાળવવા માટે પૂરતી તૈયારી કરવા કહ્યું છે. આનાથી વધારે મનપા કશું કરી પણ શકે નહિ કારણ કે આખું સરોવર ખાનગી એજન્સીએ જ ચલાવવાનું છે.

જો એન્ટ્રી બંધ કરી હોત તો ભાગદોડ થવાનો ડર હતો!

એક તબક્કે ભીડ ખૂબ જ વધી જતા અટલ સરોવરમાં એન્ટ્રી બંધ કરવા માટે કર્મચારીઓએ એજન્સીના સંચાલકોને સૂચન કર્યું હતું. જોકે સંચાલકોએ એ વાત એટલે ન માની કારણ કે એન્ટ્રી બંધ થાય અને આટલું ટોળું જો રોષે ભરાય તો ભાગદોડ થાય અને તેને કારણે મોટી સમસ્યા સર્જાય. જેને લઈને જેટલા લોકો આવી રહ્યા છે તેને સંભાળીને અટલ સરોવર ચાલુ રાખવું તેવો નિર્ણય લેવાયો હતો.

ટિકિટ ઓનલાઈન કરવા અને ક્યુઆર કોડ મૂકવા સૂચના

અટલ સરોવરમાં ભીડ થશે જેનો અંદાજ રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરોએ અગાઉથી જ આવી ગયો હતો. જેને લઈને ટિકિટ બારીને બદલે ઓનલાઈન ટિકિટ આવે અથવા તો સ્થળ પર ક્યુઆર કોડ સ્કેન કરવાથી ટિકિટ મળે તેમજ કિઓસ્ક મૂકવા જોઈએ એવી સૂચના અગાઉ આપી દેવાઈ હતી.

એક તરફ રવિવાર અને બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ગરમી ઘટી અને રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે મોજ માણવા ઊમટી પડ્યા