Gujarat

બાવળા પાલિકાનો પ્લાનિંગ વિનાનો પ્રિ-મોનસૂન પ્લાન; રહીશો ચોમાસામાં હેરાન થવા તૈયાર રહે !

બાવળા પાલિકા હદ વિસ્તારમાં દર વર્ષે પાલિકા તંત્ર પ્રિ-મોનસૂન પ્લાન બનાવી કામગીરી કરતી હોય છે. આ વર્ષે પણ ચોમાસા પહેલાં રૂ.5 લાખના ખર્ચે કામગીરી આરંભાઇ છે. જેમાં અલગ અલગ વોર્ડમાં વરસાદી પાણીનાં નિકાલ માટેની ગટર લાઈન, કુંડીઓ, મોટાં કાંસ, નાળા, તળાવની આજુબાજુની સફાઇ, રોડની સાઈડનાં જંગલ કટીંગ કરાશે.

પરંતુ નિચાણવાળા સોસાયટી વિસ્તાર, મુખ્ય માર્ગો અને હાઇવે ઉપર ભરાતાં પાણીના નિકાલની કોઇ નક્કર પ્લાન નથી. બાવળામાં 1થી 2 ઇંચ જેટલો પણ વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારો પાણી – પાણી થઈ જાય છે.

આ વર્ષે પણ પાલિકા તંત્રએ દર વર્ષેની જેમ પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કરીને તે પ્રમાણેની કામગીરી શરૂ કરાઇ છે. બાવળા પાલિકા દર વર્ષે ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરના અલગ-અલગ વોર્ડમાં વરસાદી પાણીનાં નિકાલ માટેની ગટર લાઈન, કુંડીઓ, મોટાં કાંસ, નાળા, તળાવની આજુબાજુની સફાઇ, રોડની સાઈડનાં જંગલ કટીંગ જેવી કામગીરી કરવામાં આવે છે અને તેની પાછળ આશરે 5 લાખનો ખર્ચે પણ બતાવવામાં આવે છે. આ સિવાય પાલિકા તંત્ર દ્વારા જર્જરીત મકાનોને ઉતારી લેવાની સૂચના પણ અપાઇ છે.

પ્રિ-મોન્સૂન પ્લાનની સંપૂર્ણ કામગીરી તા. 20 જૂન સુધીમાં પૂરી કરી દેવાશે તેમ પાલિકાના ચીફ ઓફીસર સિધ્ધાર્થભાઇ પટેલે જણાવ્યું હતું. પરંતુ શહેરનાં હાર્દ સમા માર્ગો, નીચાણવાળી સોસાયટીઓમાં 1થી 3 ઇંચ જેટલો વરસાદ પડે તો પાણીનો ભરાવો થાય છે.

તેના નિકાલ માટે કોઈ નક્કર પ્લાન બનાવાયો નથી. જેથી આ વર્ષે પણ નગરજનોને દર વર્ષની જેમ વરસાદી પાણીમાંથી પસાર થવું પડશે અને હેરાન થવું પડશે એટલે નગરજનોએ અત્યારથી જ પાણીમાંથી પસાર થવાની માનસિક તૈયારી રાખવી પડશે. આ બાબતે ચીફ ઓફીસરે જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટર સફળ રીતે ચાલુ થશે તો જ વરસાદી પાણીનો નિકાલ થઈ શકશે.