ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરથી ભરૂચ આવતા સમયે બોરભાઠા નજીક મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગી હતી. આગના પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. જાે કે, ઘટના બનતા જ તાત્કાલિક તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા.
ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ટ્રેન ઉભી રહેતા જ તમામ મુસાફરો ટ્રેનની નીચે સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. બાદમાં ટ્રેનમાં હાજર કર્મચારીઓએ ભરૂચ પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
બાદમાં આ પેસેન્જરોને અન્ય ડબ્બામાં બેસાડીને ટ્રેનને ભરૂચ તરફ રવાના કરાઈ હતી. જાે કે, ઘટનાને લઈને રેલવેના ઉચ્ચ અધિકારી અને રેલવે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.