બિયારણને બીજામૃતનું પટ આપી વાવેતર કરી છું – ભરતભાઈ રાઠવા
છોટાઉદેપુર તાલુકાના ઓલીઆંબા ગામના ખેડૂત ભરતભાઈ રાઠવા એમની સાથેની વાતચીતમાં જણાવે છે કે છેલ્લા સાડા ત્રણ, ચાર વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું. આત્મા પ્રોજેક્ટના માધ્યમથી જીવામૃત બનાવતા અને ખેતીમાં તેનો કેવી રીતે ઉપયોગ કરવો ? તેના વિશે માહિતી મળી હતી. મારી પાસે બે ગીર ગાય હોવાથી તેના ગોબર અને ગૌમૂત્રમાંથી પ્રાકૃતિક ખેતીના આયામો જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર બનાવવા ખૂબ સરળ થઇ ગયા.તેમજ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટે સરકારના નિયમ મુજબ વર્ષે ૧૦,૮૦૦ની સહાય મળે છે.
એક એકર જમીનમાં મકાઇના બિયારણને બીજામૃતનું પટ આપી વાવેતર કર્યું હતું.જેનાથી સારો ઉગાવો મળ્યો છે. મકાઈમાં ઝીણી ઇયળો પડે ત્યારે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરું છું અને મોટી ઈયળો માટે અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરું છું. જેનું પરિણામ સ્વરૂપ રોગમુક્ત સારુ ઉત્પાદન મળે છે. ચોમાસામાં એક વીઘા જેટલી જમીનમાં તુવેર અને મિશ્ર પાકમાં શાકભાજીનું વાવેતર કર્યું હતું.જેમાં હાલમાં તુવેર ફુલ અવસ્થામાં આવી છે જેમાં જીવાત પડે તો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર વાપરી જીવાતને કાબુમાં મેળવું છું.
ભરતભાઈ કહ્યું કે ૨૦૦ લીટરના ડ્રમમાં ૧૦ કિલો ગાયનું ગોબર, ૧૦ લીટર ગૌમૂત્ર, એક કિલો દેશી ગોળ, એક કિલો ચણાનો લોટ અને એક કિલો વડ અથવા ખેતરના છેડા પરની માટી, ને મિક્સ કરીને ઘડિયાળની દિશામાં પાંચ-પાંચ મિનિટ સુધી ફરાવવાનું હોય છે ઠંડીના દિવસોમાં થોડો સમય લાગે છે પણ ગરમીના સમયમાં ૩ થી ૪ દિવસમાં જીવામૃત તૈયાર થઈ જાય છે. જીવામૃતના ઉપયોગ બાદ ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. ખેડૂતોને અપીલ કરતાં ભરતભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થતી શાકભાજી અને પાક આપણે ખાવો જોઈએ જેનાથી આપણા શરીરને પણ લાભ થાય છે અને આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી જોઇએ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

