કેન્દ્ર અને રાજ્ય સરકારના નાગરિકોને “આંગળીના ટેરવે માહિતી મળી જાય” તેવા દાવાઓ પોકળ…?
• ભરૂચ તાલુકા પંચાયત કચેરી બિસ્માર હોવાના કારણે વિવિધ વિભાગો અન્ય કચેરીઓમાં ખસેડવામાં આવ્યા હોય નાગરિકોને પડતી હાલાકી…? કચેરી ક્યારે બંધાશે તેની કોઈ “ગેરંટી” નહિ…!

• કેટલાક વિભાગ નગરપાલિકા -ભરૂચમાં તો કેટલાક વિભાગ જીલ્લા પંચાયત ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં તો મુખ્ય TDO ની સાથે મલાઈદાર વિભાગ બાંધકામ તેમજ અન્ય વહીવટ વિભાગ બાગાયત તાલીમ કેન્દ્રની કચેરીમાં ગોઠવાયા….? અંને કહેવાય પાર્દાસ્ર્શી વહીવટ…!
• તાલુકા પંચાયત કચેરીની વેબ સાઈટ પણ ૯, જુન-૨૦૨૧ સુધી જ અપડેટ થયેલી છે જેમાં વિવિધ શાખાધિકારીઓ પણ બદલી થયેલા અને નિવૃત્ત કર્મચારીઓ વહીવટ કરી રહ્યા છે…?
• પ્રમુખ તરીકે કૌશિક પટેલ અને TDO તરીકે નરેશભાઈ એમ.લાડુમોર ના ફોટા દ્રષ્ટિગોચર થાય છે, પરંતુ જવાબદાર અધિકારી દ્વારા વેબસાઈટ અપડેટ કરાવવામાં નહી આવતા પારદર્શી વહીવટની ચાડી ખાતી વેબ સાઈટ તાલુકાના ગામોનો કેવો વહીવટ કરતી હશે તે તાલુકા પંચાયત- ભરૂચના સત્તાધારી ભાજપ પક્ષના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ માટે શરમ કરવા જેવી બાબત છે.
• ભરૂચ તાલુકાના ૯૬ ગામો પૈકી કેટલાક ગામો ભરૂચ વિધાનસભા મત વિસ્તરમાં તો કેટલાક ગામો વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આવતા હોય નાગરીકો અને ગ્રામ પંચાયતોને કેવી અને કેટલી મુશ્કેલીઓ પડતી હશે તે ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓ ને જ ખબર પડે…!

• ક્યા ક્યા વિભાગો અને તેમાં ફરજ બજાવતો સ્ટાફ ક્યાં ક્યાં બેસે છે તે પણ જર્જરિત કચેરી અને કામ ચલાઉ વ્યવસ્થા કરી છે તે કચેરીમાં નાગરિકોની જાણકારી માટે બોર્ડે પણ લગાવ્યા છે કે કેમ…? તે પણ એક સવાલ છે.
ભરૂચ તાલુકા પંચાયત કચેરી કે જે જવાબદાર કચેરી ભરૂચ અને વાગરા વિધાનસભા મત વિસ્તારના ૯૬ ગામડાઓનો વહીવટ સંભાળે છે તે કચેરી ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામ પંચાયતો તેમજ કામગીરી માટે, પોતાના પ્રશ્નો ઉકેલવા લઈને આવતા નાગરિકોને માટે સમસ્યા બની રહી છે, તેમાં સરકાર અને જીલ્લાનું વહીવટી તંત્ર ટેકનોલોજીના દાવાઓ કરે છે કે… “આંગળીના ટેરવે માહિતી મળી જશે” પરંતુ ભરૂચ તાલુકા પંચાયતની વેબ સાઈટ જોતા તે ૯, જુન-૨૦૨૧ સુધી જ અપડેટ થયેલી છે, જેમાં વિવિધ શાખાધિકારીઓ પણ ઘણા સમયથી બદલી થયેલા અને ૯૦ ટકા નિવૃત્ત કર્મચારીઓ વેબ સાઈટ પર ફરજ બજાવી વહીવટ કરી રહ્યા છે…? જ્યારે તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો અને સભ્યો પણ વર્ષો જુના હોવાનું દેખાય છે..?
ભરૂચ તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી TDO તરીકે નરેશભાઈ એમ.લાડુમોર તેમજ પ્રમુખ તરીકે કૌશિકભાઈ જીતેન્દ્રભાઈ પટેલના ફોટા દ્રષ્ટિગોચર થાય છે અને તેમના ફોટા સાથે સરનામું તાલુકા પંચાયત કચેરી,ભરૂચ ખેડૂત તાલીમ કેન્દ્ર (આત્મા પ્રોજકેટ), કણબીવગા, અયોધ્યા નગર પાણીની ટાંકી પાસે, લીંક રોડ, ભરૂચ – ૩૯૨૦૦૧ બતાવે છે. જ્યારે વહીવટી અધિકારીઓ ઉપર ક્લિક કરતા TDO ધવલ દેસાઈ જણાય આવે છે, તો નાગરિકોને પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે…TDO તરીકે નરેશ લાડુમોર કે પછી ધવલ દેસાઈ …?
મહેકમ શાખાધિકારી તરીકે ઇકબાલ કટલરીવાલા, ખેતીવાડી શાખામાં ઇ.ચા. શ્રી ડી.એન.પટેલ- મ.ખે.નિયામકશ્રી પે.વિ.અંકલેશ્વર તેમજ ઇ.ચા. શ્રી રણજીતભાઇ પરમાર- વિસ્તરણ અધિકારી ખેતી તરીકે દર્શાવાયેલ છે,,,? જ્યારે જે મલાઈદાર બાંધકામ ખાતું છે તે શાખાના સંપર્ક માહિતી પર ક્લિક કરતાં શ્રી શૈલેષભાઇ પટેલ- ઇ.ચા.અધિક મદદનીશ ઈજનેર દર્શાવેલ છે, જ્યારે તાલુકાનો અતિમહત્વનો શિક્ષણ વિભાગ છે તે શાખા ની સંપર્ક માહિતી પર ક્લિક કરતાં શ્રીમતિ હેમલતાબેન કાપડીયા- ઇ.ચા. તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી બતાવાયું છે, જ્યારે “સૌનો સાથ અને સૌનો વિકાસ” વાળી “વિકાસ શાખા” ના સંપર્ક માહિતીમાં શ્રી દલપતભાઇ વસાવા,
મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરેકે ફરજ બજાવી રહ્યા છે.
જ્યાં સરકારે ફરજ માટે મહત્વની જવાબદારી સોંપી છે તે જવાબદાર અધિકારી દ્વારા વેબસાઈટ અપડેટ કરાવવામાં નહી આવતા પારદર્શી વહીવટની ચાડી ખાતી અપડેટ થયા વગરની વેબસાઈટ તાલુકાના ગામોની ગ્રામ પંચાયતોનો કેવો આધુનિક ટેકનોલોજીસભર વહીવટ કરતી હશે…? તે તાલુકા પંચાયત- ભરૂચના સત્તાધારી ભાજપ પક્ષના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ માટે શરમ કરવા જેવી બાબત છે.
આશ્ચર્યની બાબત તો એ છે કે….વસ્તી વિષયક માહિતી પણ ૨૦૦૧ ની બોલે છે…? ૨૦૦૧ પછી કેટલી તાલુકા પંચાયતો બદલાઈ ગઈ , વહીવટ કર્તાઓ બદલાયા, તાલુકા વિકાસ અધિકારીઓ પણ બદલાયા અને ૨૦૧૧ પણ વસ્તી ગણતરી આંકડાઓ પ્રસિદ્ધ થાય છે તેમ છતાં ૨૦૦૧ ની વસતિ માહિતી દર્શાવેલી જણાય છે…? ભરૂચ તાલુકાના ૬૪૪ ચોરસ કિલો મીટર વિસ્તારમાં ૯૩ ગામો અને ૩ શહેરો મળી ૩,૯૩,૭૯૦ બતાવવામાં આવી છે જે ૨૦૧૧ વસ્તી ગણતરી મુજબ અપડેટ કરાયેલી નથી…?
ગામડાઓના નાગરિકોને મોબાઈલ પર અને કોમ્પ્યુટર ઉપર આંગળીઓના ટેરવા પર અપડેટ થયેલી માહિતી મળી જશે ની ગુલબાંગો એ ગતિશીલ, પ્રગતિશીલ અને મોડેલ ગુજરાતનું આ ભરૂચ તાલુકા પંચાયત નમુનો છે આવી તો રાજ્યની અનેક જીલ્લા ને તાલુકા પંચાયતો તેમજ મહા નગરપાલિકાઓ અને નગરપાલિકાઓની વેબસાઈટો અપડેટ થયા વગરની હશે જે સ્થાનિક સ્વરાજનો ગ્રામ પંચાયત સ્તરે પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી વિસ્તારો સ્તરે નગર અને મહાનગરપાલિકાઓ નો વહીવટ કેવો સુચારુ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે તે દેખાઈ આવે છે…!
ભરૂચ જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા સમાહર્તા જીલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અમલદારોને પોતાની વેબ સાઈટ અપડેટ કરવા કોઈ સૂચના આપી છે ખરી…? અને આપી જ હોય તો ભરૂચ તાલુકાની માત્ર એક નમૂનારૂપ અપડેટ થયાની વેબ સાઈટ પર ૨૦૨૧ પછી કેટલાય અધિકારીઓ બદલાયા તેમ છતાં નાગરિકો માટે ટેરવા ઉપર માહિતી આપવાની ગતિ અને ગેરંટી ક્યા અટકી જાય છે…? હવે સરકારી કચેરીઓ માટે સરકારે CCTV મુકવા પણ બજેટમાં ફાળવણી કરી છે ત્યારે કેટલા CCTV કેમેરા કચેરીઓમાં ચાલુ હશે તે પણ એક તપાસનો વિષય છે.
ભરૂચ તાલુકા પંચાયત કચેરી બિસ્માર હોવાના કારણે વિવિધ વિભાગો અન્ય કચેરીઓમાં ખસેડવામાં આવ્યા હોય નાગરિકોને પડતી હાલાકી…? કચેરી ક્યારે બંધાશે તેની કોઈ “ગેરંટી” નહિ…! કેટલાક વિભાગ નગરપાલિકા- ભરૂચમાં તો કેટલાક વિભાગ જીલ્લા પંચાયત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી,DRDA કચેરીમાં તો મુખ્ય TDO ની સાથે મલાઈદાર વિભાગ બાંધકામ તેમજ અન્ય વહીવટ વિભાગ ખેડૂત તાલીમ કેન્દ્રની કચેરીમાં ગોઠવાયા….? અંને કહેવાય પારદર્શી વહીવટ…! વિવિધ વિભાગો લોકો ક્યા ક્યા શોધે …? છો..ની….અટવાતા એવું સમજીને ચાલાકી પૂર્વક વિવિધ વિભાગોની બેઠક વ્યવસ્થા અન્યત્ર ફાળવી દેવાઈ…? આ એક નાગરીકો સમસ્યાઓ લઈને ના આવે તે માટેની સુચારુ વ્યવસ્થા છે કે પછી સમસ્યાઓને વકરાવવાની અધિકારીઓની કે પદાધિકારીઓની વેતરણ છે..?
જર્જરિત થયેલી ભરૂચ તાલુકા પંચાયત કચેરી ક્યારે બંધાશે…? તેની કોઈ “ગેરંટી” ખરી અને તેના વિસ્તારમાં આવતા ગામડાઓના નાગરિકોને પ્રશ્નોના ઉકેલ માટે કોઈ એક જ સ્થળે એક જ મકાનમાં વ્યવસ્થા ગોઠવાય તેવો બંધોબસ્ત થશે કે કેમ..? તે એક સવાલ છે.સરેરાશ રોજના ૧૦ થી ૧૫ નાગરીકો તાલુકા કચેરીના કામ અર્થે અંદાજીત ૩૦૦ ભાડું અને રોજ પાડીને આવતા હોય અને કચેરીની શોધખોળ કરે અને કામ ના થાય ત્યારે આક્રોશ સાથે પોતાના ગામડે ગંતવ્ય સ્થાને પ્રશ્ન ઉકેલ્યા વાગર ધક્કા ખાઈને પાછા ફરે છે…?
જે તાલુકા પંચાયત સત્તાધિકારી ગ્રામ પંચાયતોના વહીવટ બાબતે ગ્રામ પંચાયતોને તાત્કાલિક માહિતી આપવા તાકીદ કરતાં હોય ત્યારે તેમના હસ્તકની કચેરીની જ માહિતી અપડેટ થયા વગરની રહે તે કેટલે અંશે વ્યાજબી…? આના કરતાં કેટલીક ગ્રામ પંચાયતોનો વહીવટ સારો હશે અને તેવા પ્રગતિશીલ ગામડાઓની ગ્રામ પંચાયતોની વેબ સાઈટ પણ અપડેટ થયેલી હશે.
ઉલ્લેખનીય બાબત તો એ છે કે પંચાયતી રાજ વ્યવસ્થામાં કેટલીક મોબાઈલ એપ પણ કાર્યરત કરવામાં આવી છે તે પૈકી ઈ-ગ્રામ સ્વરાજ, મેરી પંચાયત, આઈ.ઓ.જે.એન. ૪ પ્લાનિંગ કે જેને ઈન્ટીગ્રેટેડ ઓન લાઈન જંકશન ઓન નેટ ફોર ડી-સેન્ટ્રલાઈઝડ ડીસ્ટ્રીકટ પ્લાનિંગ, જેવી મહત્વની નાગીકોને મોબાઈલ પર માહિતી ઉપલબ્ધ કરાવી શકે તેવી મોબાઈલ એપ પણ અપડેટ કર્યા વગરની છે જેમાં અનેકવિધ માહિતી નાગરિકોને મળી રહે છે પરંતુ જ્યાં ભ્રષ્ટાચાર કરવાની રીત રસમ પકડાઈ જાય અને નાગરીકો પ્રશ્નો ઉભા કરે તે માટે તેને વિવિધ પ્રકારની માહિતીથી અપડેટ જ કરવામાં આવતી નથી…? ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર ના પંચાયતી રાજ સંભાળતા વિભાગના અધિકારીઓ આ દિશામાં તપાસ કરી ને નાગરિકોને સુચારુ માહીતિ મળી રહે તે માટે નિર્દેશ કરશે કે પછી….? ભ્રષ્ટાચાર કરવા કરાવવામાં આવી વેબ સાઈટ અપડેટ કર્યા વગરની જ ચાલવા દેશે…?
વિરલ ગોહિલ, ભરૂચ

