Gujarat

જખૌ પાસેના દરિયા કાંઠેથી બીએસએફ અને એનસીબીના જવાનોને માદક પદાર્થના 9 પેકેટ મળી આવ્યાં

પશ્વિમ કચ્છના સાગર તટેથી સુરક્ષા એજન્સીઓને માદક પદાર્થના પેકેટ મળવાનો સીલસીલો સતત યથાવત રહેવા પામ્યો છે. જખૌ નજીકના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી બીએસએફ અને એનસીબીના જવાનોને પેટ્રોલીંગ દરમિયાન માદક પદાર્થના 9 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.

આ પહેલા મળી આવેલા ડ્રગ્સના પેકેટ જેવા જ કુલ 10 કિલોગ્રામ વજન ધરાવતા 9 પેકેટ સહિત બીએસએફ ને અત્યાર સુધીમાં આ વર્ષે કુલ 181 જેટલા ડ્રગ્સમાં પેકેટ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અબડાસા તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી સતત મળી રહેલા બિનવારસી ચરસના પેકેટના પગલે સુરક્ષા એજન્સીઓએ સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું છે.

આ અંગે જાણકારો પસેથી મળતી માહિતી મુજબ ગઈકાલ રવિવારે બીએસએફ અને એનસીબી ની ટૂકડી દ્વારા સયુંકત પેટ્રોલીંગ દરમિયાન જખૌ પાસેના સમુદ્રી વિસ્તારમાંથી માદક પદાર્થના 9 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હોવાનું મોડેથી જાહેર થયું હતું. આ પેકેટો પહેલા મળી આવેલા વિવિધ પેકીંગ પૈકી એક જેવા જ છે. જેને વધુ તપાસ અર્થે જખૌ મરીન પોલીસના હવાલે કરવામાં આવશે.