ઉપવાસ માત્ર માણસો જ કરે છે એવું નથી. અઠવાડિયામાં એક વખત પિંજરામાં રહેતા માંસાહારી પ્રાણીઓને પણ ઉપવાસ કરાવવામાં આવે છે.
જેમાં ગુજરાત અને દેશભરના પ્રાણીસંગ્રહાલયમાં રહેતા વાઘ, સિંહ અને દીપડા જેવા પ્રાણીઓને તેઓની પાચનક્રિયા સારી રહે તે માટે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરાવવામાં આવે છે .

વડોદરા સયાજીબાગના ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું કે, માત્ર વડોદરા સયાજીબાગમાં જ માંસાહારી વાઘ, સિંહ અને દીપડાને એક દિવસનો ઉપવાસ કરાવવામાં આવે છે તેવું નથી પરંતુ, સમગ્ર દેશના પ્રાણી સંગ્રહાલયમાં રહેતા માંસાહારી વાઘ, સિંહ અને દીપડાઓને એક દિવસનો ઉપવાસ કરાવવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓનું પાચનતંત્ર સારું રહે તે માટે એક દિવસનો ઉપવાસ કરાવવામાં આવે છે.

જો કે તેમણે ઉમેર્યું હતું કે, તમામ માંસાહારી પ્રાણીઓને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરાવવામાં આવતો નથી. માત્ર બિલાડી જાતની ઉપરના અને પ્રાણી સંગ્રહાલયોમાં રહેતા વાઘ, સિંહ અને દીપડા જેવા માંસાહારી પ્રાણીઓની પાચનક્રિયા સારી રહે તે માટે એક દિવસ ખોરાક આપવામાં આવતો નથી. એટલે કે, ઉપવાસ કરાવવામાં આવે છે.

