Gujarat

શ્રી સિદ્ધેશ્વર મહાદેવના 38મા પાટોત્સવની ઉજવણી

યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા વેદાશ્રમમાં સ્થાપિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવના 38મા પાટોત્સવની વિવિધ ધાર્મિક આયોજનો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી 108 મહામંડલેશ્વર બ્રહ્મલીન સ્વામી દયાનંદ વેદપાઠીજી મહારાજ દ્વારા વર્ષો પહેલાં યાત્રાધામ ચાંદોદના પશ્ચિમ વિભાગે પાઠક શેરી વિસ્તારમાં વેદાશ્રમની સ્થાપના કરાઇ હતી. જે બાદ વેદાશ્રમ સંકુલમાં શ્રીસિદ્ધેશ્વર મહાદેવજીની પ્રતિષ્ઠા કરાઇ હતી. ગુરુવારે મહાવદ પાંચમની તિથિએ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો 38મો વાર્ષિક પાટોત્સવ હોઇ મહામંડલેશ્વર સ્વામી શૈલેષાનંદપુરીજી મહારાજના સાંનિધ્યમાં મહંત સ્વામી ભક્તિપુરીજી મહારાજ, કરનાળી કુબેરના દિનેશ ગીરીજી મહારાજ સહિતના સંતો મહંતો તેમજ દૂરથી દૂરથી પધારેલા સાધક વૃંદોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક આયોજનો કરાયા હતા. વહેલી સવારે નિજ મંદિરમાં લઘુરુદ્ર, શિવજીનો અભિષેક, પાદુકાપૂજન તેમજ ડીજેના સથવારે નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા અને અંતમાં પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા મૈયાના પૂજન અર્ચન સાથે ચૂંદડી મનોરથ થકી નર્મદાજીને ચુંદડી અર્પણ કરાઇ હતી.