Gujarat

વરસાદના પગલે હોસ્પિટલ રોડ પર આવેલી નાસ્તાની લારીઓમાં ફૂડ વિભાગનું ચેકિંગ

વરસાદની સાથે ઠેરઠેર પાણી ભરાઈ જવા ઉપરાંત ગટરના પાણી વહેતા હોવાથી મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત છે ત્યારે ભુજમાં સ્ટ્રીટ ફૂડ માટે જ્યાં સૌથી વધારે ભીડ જોવા મળે છે તે હોસ્પિટલ રોડ પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ગુરુવારે કરાયેલી કાર્યવાહીમાં માર્ગની બંને તરફ નાસ્તાની લારીઓમાં ચેકિંગ કરી ખોરાક ઢાંકીને રાખવા, મચ્છર-માખીનો ઉપદ્રવ ન થાય તેમજ કચરો ડસ્ટબીનમાં જ રાખવામાં આવે તે સહિતની બાબતોએ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી સાથે તળેલા તેલમાં મશીન મારફતે ગુણવત્તા ચકાસવામાં આવી હતી શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રમાણે ચેકિંગ યથાવત રહેશે તેવું ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર અમિત પટેલ દ્વારા જણાવાયું હતું.

આ પૂર્વે માંડવીમાં કોલેરા રોગચાળો ફાટી નીકળ્યો હોવાથી ત્યાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ નખત્રાણામાં મુખ્ય હાઇવે પર નાસ્તાની લારીઓમાં પણ તપાસ કરાઈ હતી.ચોમાસા દરમ્યાન વાસી ખોરાક ન વેચવા કડક શબ્દોમાં સૂચના અપાઈ હતી.