તુલસી વિવાહ પ્રસંગે ઠાકોરજીના ભવ્ય વરઘોડાનું સ્વાગત કરી ધન્યતા અનુભવી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટના ગોંડલ ખાતે તુલસી વિવાહના ભવ્ય આયોજનમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે યોજાયેલા જાજરમાન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ કોલેજ ચોક ખાતે ઠાકોરજીના વરઘોડાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.
અહીં ઠાકોરજીની આરતી ઉતારી, ઠાકોરજીના વરઘોડાના સામૈયા કરવામાં આવ્યા હતા. ઠાકોરજીના વરઘોડામાં ભરત ભરેલી રંગબેરંગી છત્રીઓ, વિવિધ પ્રકારની કલાત્મક અને રજવાડી બગીઓ, સુશોભિત કરેલા હાથી, ઘોડા અને ઊંટ ગોંડલવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બેન્ડબાજા સાથે વરઘોડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાના નિવાસસ્થાને ભગવાન શાલીગ્રામ અને તુલસીમાતાના વિવાહ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ સાથે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, ધારાસભ્ય સર્વશ્રીઓ રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા, પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સહિત મહાનુભાવો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.