Gujarat

દાહોદ એલસીબી પોલીસે શંકાસ્પદ લાગતી એક પીકપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી નઢેલાવ ગામે બુરવા ફળિયામાં કાચા રસ્તા પાસેના ખેતરમાંથી પકડી પાડી

જેસાવાડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદ એલસીબી પોલીસે શંકાસ્પદ લાગતી એક પીકપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી નઢેલાવ ગામે બુરવા ફળિયામાં કાચા રસ્તા પાસેના ખેતરમાંથી પકડી પાડી ગાડીમાંથી ૪.૬૫ ઉપરાંતની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડી એક મોબાઈલ ફોન તથા રૂપિયા પાંચ લાખની કિંમતની પીકપગાડી મળી રૂપિયા ૯,૭૦,૨૪૦/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ૨૫ મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધીના નાતાલ પર્વને ધ્યાને લઈ દાહોદ પોલીસે જિલ્લાના સરહદી વિસ્તારોમાં આવેલ ચેકપોસ્ટો પર ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવાનું શરૂ કરી નાતાલ પર્વે જિલ્લામાં દારૂની રેલમછેલ કરી તગડો વેપલો રળવાની બુટલેગરોની મંસા પર પોલીસે પાણી ફેરવી દીધું છે.

તેવા સમયે દાહોદ એલસીબીઆઈ એસએમ ગામેતી, પીએસઆઇ આર જે ગામીત, પીએસઆઇ ડી આર બારૈયા, પી એસ આઇ એસ જે રાઠોડ, હેડ કોન્સ્ટેબલ સરદારભાઈ સનાભાઇ, તથા કોન્સ્ટેબલ દિનેશભાઈ મોહનભાઈ તેમજ વિનોદભાઈ પ્રતાપભાઈ ખાનગી વાહન લઇને જેસાવાડા પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.

તે દરમિયાન ગાંગરડીથી જેસાવાડા તરફ જતા રસ્તે પાછળથી એક પીકપ ગાડીએ પોલીસની ખાનગી ગાડીને ઓવરટેક કરી પોતાની પીકપ ગાડી ફૂલ સ્પીડે ભગાવી લઈ જતા પોલીસને તે ગાડી પર શંકા પડતા પોલીસે તે પીકઅપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.

જેથી સદર પીકપ ગાડીના ચાલકે પોતાની ગાડી નો પીછો કરતી પોલીસને જોઈ પોતાની ગાડી વધુ ઝડપમાં દોડાવી નઢેલાવ ગામે બુરવા ફળિયામાં રોડની બાજુમાં જતા કાચા રસ્તાની પાસેના ખેતરમાં પોતાની પીકપ ગાડી ઉતારી ભાગવા જતા પોલીસે પીકઅપ ગાડી ઝડપી પાડી હતી.

અને પોલીસે પીકપ ગાડીના ચાલક નઢેલાવ ગામના પટેલ ફળિયાના ૫૧ વર્ષીય કમલેશભાઈ નવલસિંહભાઈ હઠીલાની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા ૫૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન પકડી પાડી પીકઅપ ગાડીની તલાસી લઈ પોલીસે પીકપ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરની પેટીઓ નંગ-૯૮ તથા છૂટી બોટલો મળી રૂપિયા ૪,૬૫,૨૪૦/-ની કુલ કિંમતની બોટલ નંગ ૩૩૨૪ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા પાંચ લાખની કિંમતની પીકપ ગાડી મળી કુલ રૂપિયા ૯,૭૦,૨૪૦/-નો મુદ્દા માલ કબજે લઈ પકડાયેલા પીકપ ગાડીના ચાલક નઢેલાવ ગામના પટેલ ફળિયામાં રહેતા કમલેશભાઈ નવલસિંહભાઈ હઠીલા વિરુદ્ધ એલસીબી પોલીસે જેસાવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જેસાવાડા પોલીસે આ સંદર્ભે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર અનવર