Gujarat

શક્તિની ઊર્જાનો રોજેરોજ સૂર્યોદય

મોરબી પશુપાલનનો વ્યવસાય સંપૂર્ણપણે મહિલા સંચાલિત વ્યવસાય તરીકે ઓળખાય છે. પરંતુ જયારે ડેરીના નિર્ણય લેવાની વાત આવે ત્યારે પુરુષોનું વર્ચસ્વ આવી જતું હોય છે. અહીં એક અપવાદ છે. મોરબી જિલ્લા મહિલા સહકારી સંઘ ઉત્પાદક સંઘ લિ. દ્વારા ચાલતી મયુર ડેરીનું સંપૂર્ણ સંચાલન મહિલાઓના હાથમાં છે.

2016થી મોરબીની મયુર ડેરીની સ્થાપના સમયે 97 દૂધ ઉત્પાદન મંડળી અને 5000 દૂધ ઉત્પાદકોના સહકારથી 24,100 લીટર દૂધ સંપાદનથી મોરબી જિલ્લા મહિલા દૂધ સંઘ કાર્યરત થયું હતું હાલ આ સહકારી સંઘના નિયામક મંડળમાં 12 મહિલા છે અને તેમણે 2555 દિવસમાં કુલ મળીને 48.54 કરોડ લિટર દૂધ એકત્રીત કરી અમૂલને સોંપ્યું છે. તેના પ્રમુખ તરીકે સંગીતાબેન કગથરા જયારે ઉપપ્રમુખ તરીકે ગાયત્રીબા નરેન્દ્રસિંહ રાણા છે. દૂધ ઉત્પાદન સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો 27,000 જેટલા છે અને તેની 300 જેટલી દૂધ મંડળી મયુર ડેરી સાથે જોડાયેલી છે. આ મયુર ડેરીમાં આજે દૈનિક 1,90,000 લિટર દૂધ એકઠું કરવામાં આવે છે અને દૂધને પ્રોસેસિંગ કરી સીધું અમુલ ડેરીમાં મોકલવામાં આવી રહ્યું છે. આજે આ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 300 કરોડ જેટલું થવા જઈ રહ્યું છે. મોરબી જિલ્લા મહીલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.માં આજે 300 મંડળીમાં 27 હજાર સભાસદ છે. આગામી 7 વર્ષમાં દૂધ ઉત્પાદન બમણું કરી દૈનિક ૩ લાખ લીટર કરવાનું આયોજન હોય અને પશુ સંવર્ધન માટે 50 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આગામી વર્ષોમાં દૂધની અન્ય બનાવટ તૈયાર કરવાં અંગેનું પણ આયોજન હોવાનું મોરબી જિલ્લા ડેરીના મેનેજીંગ ડીરેક્ટર તેજસ સોનીએ જણાવ્યું હતું. 2019માં મોરબીની મયુર ડેરીને અમુલ ફેડરેશનનું નોમિનલ સભ્ય પદ મળ્યા બાદથી મોરબીથી સીધું અમુલમાં દૂધ મોકલવામાં આવી રહ્યું છે. આગામી વર્ષોમાં મહિલા સભાસદોની સંખ્યા વધારી દૂધ ઉત્પાદનમાં વધારો કરવાનું લક્ષ્યાંક હોવાનું મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ સંગીતાબેન કગથરાએ જણાવ્યું હતું. અગાઉ મોરબી જયારે રાજકોટ જિલ્લા સાથે જોડાયેલું હતું ત્યારે તમામ દૂધ મંડળીઓ રાજકોટ ડેરી સાથે જોડાયેલી હતી અને દૂધ સપ્લાય કરવામાં આવતું હતું. જો કે 2013માં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી દ્વારા મોરબીને જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો ત્યાર બાદથી રાજકોટ જિલ્લા સાથે વહીવટી કામગીરી અલગ પડી હતી તેની સાથે સાથે ડેરી ઉદ્યોગ પણ અલગ થયો હતો. 29 જાન્યુઆરી 2015ના રોજથી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘને કાયદાકીય માન્યતા મળતા મયુર ડેરી અસ્તિત્વમાં આવી હતી. ડેરી પાસે દૂધ સંગ્રહ કરવા કોઈ સાધનો ઉપલબ્ધ ન હોવાથી દૂધ સંગ્રહ થઇ શકતો ન હતો જે બાદ 2016માં કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ.ને વિવિધ સાધનો ખરીદવા ડિપોઝીટ મળતા ધીમે ધીમે દૂધ સંગ્રહ શરુ કરવામાં આવ્યો હતો. જો કે અમુલ ફેડરેશન મોરબીની મયુર ડેરીનું દૂધ સીધું સ્વીકાર ન કરતું હોવાથી સુરેન્દ્રનગરની સમૂલ ડેરીમાં મોકલવામાં આવતું હતું.