દ્વારકા ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા જતા યાત્રાળુનો શુક્રવારે સવારથી અંતિમ રાઉન્ડ વિશાળ સંખ્યામાં જવા નીકળ્યો હતો. ખંભાળીયાના વાડી વિસ્તારો, ખંભાળીયા તાલુકાના લોકો તથા ખાવડી, વાડીનાર પટ્ટીના લોકો તથા જામનગર રોડ પરના ગામોના લોકો એટલી મોટી સંખ્યામાં નીકળી પડ્યા હતા કે અનેક સ્થળે કેમ્પોમાં પણ કતારો લાગી ગઈ હતી.
રાજકોટ ભરવાડ ગ્રુપના સેવાર્થીઓ પાંચ પાંચ હજાર આઈસ્ક્રીમ સાથે ભાવિકોની સેવામાં ઉમટ્યા હતા. તો ઉનાળો હોય, ટેમ્પા ભરીને ઠંડી છાસ, લચ્છી, તથા શેરડીના રસના ટેમ્પા ભરીને પણ સેવાર્થીઓ ઉમટ્યા હતા.

ખંભાળીયા પોલીસ સંચાલિત કેમ્પમાં તથા ખોડિયાર માતાજી કેમ્પમાં પગના મસાજ મશીનો સાથે પગચપીની સેવામાં પણ લોકો ઉમટ્યા હતા તો ઠેર ઠેર ડી.જે.પાર્ટી સાથે નીકળતી જીપવાળા પણ ભારે મોટી સંખ્યામાં નીકળતા હતા. આજે મોટાભાગના સેવા કેમ્પોમાં પૂર્ણાહુતિ થશે.
જોકે ભીડ વધુ હોય ઓછી ભીડમાં જવા નીકળેલા કેટલાક એકલ દોકલયાત્રિકો આજે જતા હતા તો દ્વારકા જતા ડાબી તરફ યાત્રિકોના ઘસારાથી લિબડી પાટિયા સુધી 35 કી.મી.નું અંતર કાપતા કલાક થઈ જતી હતી.
તો વાહનો ટ્રાફિક જામના થાય તે માટે પોલીસનું પેટ્રોલીંગ અવિરત રહ્યું હતું. આ વખતે નોંધપાત્ર રીતે ભાણવડ ખંભાળીયા વચ્ચે પણ ઢગલાબંધ કેમ્પો હતા તથા ટિબડીના સેવાભાવી યુવકો સતત બીજા વર્ષે પણ ગુલાબ દૂધ, મોસંબી રસ, ચોકલેટ, પાણીની બોટલની સેવાઓ કરી હતી.

