ગોધરા નીટકાંડના ચાર આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે તમામ આરોપીની કસ્ટડી સીબીઆઇને સોંપી દીધી છે. હવે સીબીઆઇની ટીમ આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલ ખાતે લઇને આગળની કાર્યવાહી કરશે. જયારે સીબીઆઇની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
જેમાં તુષાર ભટ્ટ જય જલારામ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો જ ન હોવા છતાં તેને નીટ પરીક્ષામાં સેન્ટર સુપ્રિટેન્ડન્ટ તરીકે રાખવામાં આવ્યો હતો.જયારે જય જલારામ સ્કૂલના સંચાલક દિક્ષિત પટેલે, તુષાર ભટ્ટ સ્કૂલમાં એક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનો દાવો કર્યો હતો.જો કે, દીક્ષિત પટેલની પૂછપરછમાં સીબીઆઇને મહત્ત્વની કડીઓ હાથ લાગવા સાથે તેની જ ભૂમિકા મહત્ત્વની હોવાનું બહાર આવવાની સંભાવના છે.
ગોધરા નીટકાંડની તપાસ સીબીઆઇ પાસે જતા સીબીઆઇએ ચાર આરોપી તુષાર ભટ્ટ, આરીફ વોરા, પરષોત્તમ શર્મા તથા આનંદવિભોરના 4 દિવસના રિમાન્ડ ગોધરા કોર્ટમાંથી મંજૂર કરાવ્યા હતા. આરોપીઓની પૂછપરછ બાદ સીબીઆઇની ટીમે જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવીને હાલ દિક્ષિત પટેલની પુછપરછ કરી રહી છે.
જયારે ચાર આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં ગોધરા સેશન્સ કોર્ટમાં રજૂ કરતાં ગોધરા સેશન્સ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સી.કે.ચૌહાણ દ્વારા ગોધરા નીટકાંડના પરશુરામ રોય સહીત 5 આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલ ખાતે ખસેડવાનો હુકમ કરતા સીબીઆઇ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા તમામને અમદાવાદ સાબરમતી જેલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
ત્યારે નીટ પ્રકરણમાં સંડોવાયેલા પાંચે આરોપીઓની હવે સીબીઆઇ દ્વારા અમદાવાદ ખાતેથી પૂછપરછ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલ સીબીઆઇ દિક્ષિત પટેલની ધરપકડ કરીને પુછપરછ કરી રહી છે. હવે સમગ્ર કેસ સીબીઆઇ પાસે જતા સીબીઆઇ તમામ આરોપીઓને પોતાની કસ્ટડીમાં લઇને અમદાવાદ સાબરમતી જેલ ખાતે લઇ જવાની તજવીજ હાથ ધરી છે.