Gujarat

“નારી તુ ના હારી”ના સૂત્રને સાર્થક કરતા છોટાઉદેપુર વિધાનસભાના મહિલા સ્વસહાય જૂથોને રૂ. ૫૪ લાખની સહાયનું વિતરણ

વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું મહિલાશક્તિને વર્ચ્યુઅલી સંબોધન
વિકસિત ભારત વિકસિત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ સમગ્ર દેશના ૨૦ હજાર કરતા વધારે સ્થળો પર વડાપ્રધાનના વરદ હસ્તે વર્ચુઅલ માધ્યમથી નારી શક્તિ વંદના કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. ૧૩ હજારથી વધુ સ્વ સહાય જૂથોની ૧ લાખ ૩૦ હજાર જેટલી મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય પ્રદાન કરવામાં આવી. જેમાં છોટાઉદેપુર જિલ્લાના ૮૮ સ્વ સહાય જૂથોને રૂ.૫૪ લાખની માતબર રકમની વહેચણી કરવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા નારીશક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ,  સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૫૪ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં અન્ય બે જગ્યાએ યોજાયેલા  સમાંતર નારી શક્તિ વંદના કાર્યક્રમોમાં મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય ચેક આપવામાં આવ્યા હતા .
સમાજને અને રાષ્ટ્રને વિકસિત કરતી નારી શક્તિને ઉજાગર કરતો અને સમર્પિત કરતો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આવનારા મહિલા દિનને લઈને આ વિશેષ કાર્યક્રમ સમગ્ર દેશમાં યોજવામાં આવ્યો હતો. છોટાઉદેપુરની એસ.એન કોલેજના પ્રાંગણમાં ૧૩૭ વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસીહ રાઠવાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ૫ હજાર જેટલી બહેનો હાજર રહી હતી.  રાજેન્દ્રસિહ રાઠવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જીલ્લાના સ્વ સહાય જૂથોને વહીવટી તંત્ર અને અમે મદદ કરવા માંગીએ છીએ, સખી મંડળની બહેનો ખુબ સારું કામ કરી રહી છે.તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન નારી શક્તિને ઉજાગર કરવા માટે સખી મંડળો માટે અનેકવિધ યોજનાઓ શરુ કરેલી, આજે વડાપ્રધાન બન્યા બાદ પણ આ સિલસિલો શરુ રાખ્યો છે. “નારી તુ ના હારી” મંત્રને સાકાર કરતી બહેનોએ હમેશા પોતાના ઘરથી લઈને આ દેશની ઈકોનોમી સુધી સંચાલન કર્યું છે. રસોડાની કામગીરી, સરગવાના પાવડર, કોસ્મેટીક ઉત્પાદનો, પાપડ બનાવવા, ગૃહ ઉદ્યોગથી લઈને નાણા મોટા બીઝનેસના કામ આ મહિલાઓ કરતી થઈ છે. આપણા જિલ્લામાં બહેનોના ઉત્થાન માટે સ્ટાર્ટ અપ અને યુનીવર્સીટીના તાલીમી કાર્યક્રમો ગોઠવવા માંગીએ છીએ. ગ્રામીણ બહેનોને ખુબ અદ્યતન તાલીમ આપવા માંગીએ છીએ. દેશ અને દુનિયા માટે કઈ કરી શકો તેમ હોવ કરવા માંગતા હોવ તો મને ગમે ત્યારે સંપર્ક કરશો. આ સમારોહમાં જિલ્લા કલેકટર અનીલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી  સચિન કુમાર, રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ  ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, જીઆરડી કમાન્ડન્ટ લીલાબેન રાઠવા વગેરે મહાનુભાવો જોડાયા હતા.