તાજેતરમાં કેનેડાના એડમોન્ટોન શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રીંછ પ્રજાતિ ઉપર વિશિષ્ટ સંશોધન અને સંરક્ષણના પ્રયાસો કરવા બદલ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઑફ એક્સિલેન્સ ફોર વાઈલ્ડલાઈફના ડાયરેક્ટરને આઈ.બી.એ. પ્રેસિડેન્ટ એવોર્ડ ૨૦૨૪ થી સન્માનિત થતાં વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન સાથે સંકળાયેલા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

વિશ્વની રીંછની તમામ પ્રજાતિઓ પર સંશોધન અને સંરક્ષણ માટેની કામ કરતી સંસ્થા ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર બેર રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ-યુ.એસ.એ દ્વારા કેનેડા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઑફ એક્સિલેન્સ ફોર વાઈલ્ડલાઈફના ડાયરેક્ટર ડો.નિશિથ ધારૈયાને તેમના રીંછ પરના છેલ્લા ૧૫ વર્ષના સંશોધન અને સંરક્ષણના પ્રયાસો માટે વર્ષ ૨૦૨૪નો આઇ.બી.એ.પ્રેસિડેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ડો.નિશિથ ધારૈયા તથા તેમની ટીમ વર્ષ ૨૦૦૮થી ભારતમાં તથા ભૂટાનમાં ભારતીય રીંછ એટલે કે સ્લોથ બેર ઉપર સંશોધન અને સંરક્ષણનું કામ કરી રહ્યા છે. રીંછના સંરક્ષણ તથા રીંછ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે તેમણે પુસ્તકો, દસ્તાવેજી ફિલ્મ, બાળકો માટે એનિમેશન ફિલ્મ પણ બનાવી છે. વિદ્યાર્થીઓ ભારતના રીંછની પ્રજાતિઓ પર સંશોધન કરી શકે તે માટે તેમના દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં તાલીમ કાર્યક્રમો પણ ડૉ નિશીથ ચલાવી રહ્યા છે. આઈ.યુ.સી.એન દ્વારા રીંછ એક્સપર્ટ ટીમના ચેરમેન તરીકે પણ તેમની નિમણૂક કરવામાં આવી છે.

ભક્ત કવિ નરસીંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ યુનિ.નાં સેન્ટર ઑફ એક્સિલેન્સ ફોર વાઈલ્ડલાઈફના ડાયરેક્ટરને આંતરરાષ્ટ્રીય કક્ષાના આઈ.બી.એ. પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માનિત થયાની ખુશી વ્યક્ત કરતા. જણાવ્યુ હતુ કે ડો. ધારૈયાને મળેલ બહુમાન રાષ્ટ્રનાં તમામ પ્રકૃતિ-પર્યાવરણ પ્રેમીનું સન્માન છે. ડો.નિશીથ ધારૈયાની વન્યજીવો પરત્વેની સંવેદનાત્મક શોધકાર્ય અને તેમને મળેલા આંતરરાષ્ટ્રીય બહુમાન/ સન્માનને બિરદાવી પ્રો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે જૂનાગઢની વન્યજીવ સંપદા અને તેની રખેવાળ જનતા સાથે સેન્ટર ઑફ એક્સિલેન્સ ફોર વાઈલ્ડલાઈફમાં કાર્ય કરતાં ડો. નિશીથભાઇ વન્યજીવો પર આગવી રીતે કામ કરી રહ્યા છે જે ગૌરવપ્રદ છે.
ઉલ્લેખનિય છે કે ગુજરાત રાજ્ય તો સસ્તન, જળચર, ખેચર, ભૂચર, સરિસૃપ જેવા વિવિધ વન્યપ્રાણીઓથી સધ્ધર વિસ્તાર છે. એમાંનું એક સસ્તન વન્યપ્રાણી રીંછ છે. ભારતમાં મુખ્યત્વે રીંછની ચાર પ્રજાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં જોવા મળતી પ્રજાતી, “સ્લોથ બેર” ની ગુજરાતના સાત જિલ્લાઓમાં ઉપસ્થિતી નોંધાણી છે.

સેન્ટર ઑફ એક્સિલેન્સ ફોર વાઈલ્ડલાઈફમાં કાર્ય કરતાં ડો. નિશીથ ધારૈયાએ રીંછ અને તેની લાક્ષાણિકતાઓની વાત કરતા જણાવ્યુ હતુ કે પાંખા થતા જંગલો અને સ્થાનિક લોકો ની જાગૃતિના અભાવે રીંછ-માનવ વચ્ચે ઘર્ષણ વધ્યું છે તેમ જણાવી તેમણે રીંછના સંરક્ષણ માટે પણ રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેક્ટ લાયન જેવો જ પ્રોજેક્ટ શરૂ થવો જોઈએ તેવો પોતાનો મત વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઉત્તરપ્રદેશના ગવર્નરશ્રી આનંદીબેન પટેલના હસ્તે પણ ડો. ધારૈયાને રીછ સંરક્ષણ બાબતે પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
ડો. ધારૈયાએ જણાવ્યુ હતુ કે રીંછ એક નિશાચર પ્રાણી છે અને તે સૂર્યાસ્ત પછી બહાર નીકળે છે. રીંછ આખી રાત ખોરાક માટે ફરે છે. ખાસ કરીને ખોરાકમાં ફળ, ફૂલ, કંદમૂળ અને વિવિધ જાતોનાં કીટકો ખાવાનું પસંદ કરે છે.
રીંછના પ્રિય ખોરાક વિશે વાત કરીએ તો તે ઉધઈ અને કીડી મંકોડા છે. રીંછ પોતાના ચોક્કસ સ્થળે જ પાણી પીવા માટે જાય છે. જે વિસ્તારમાં વનસ્પતિ અને વધુ ફળ હોય ત્યાં રીંછ જોવા મળે છે. ખાસ કરીને બોરડી, મહુડા, ગરમાળો, આંબો, જાંબુ જેવા વૃક્ષો પાસે રીંછ વધારે જોવા મળે છે. પ્રજનનકાળની વાત કરીએ તો સ્લોથ રીંછ ચોમાસા ની શરૂઆતમાં પ્રજનન કરે છે અને શિયાળાની શરૂઆતમાં બે થી ત્રણ બચ્ચાને જન્મ આપે છે. માદા રીંછ જ્યારે બચ્ચા સાથે હોય તથા અચાનક મનુષ્ય સાથે સામનો થઈ જાય ત્યારે હુમલો પણ કરે છે.
ગુજરાતમાં બાલારામ-અંબાજી વન્યપ્રાણી અભયારણ્ય, જેસોર, જાંબુઘોડા, રતનમહાલ અને શૂલપાણેશ્વર અભયારણ્ય ઉપરાંત બિન સંરક્ષિત વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા, પંચમહાલ, દાહોદ અને નર્મદા જિલ્લામાં રીંછની વિશેષ ઉપસ્થિતિ જોવા મળે છે. એમાં પણ સૌથી વધારે બનાસકાંઠા જિલ્લા ના અરવલ્લી ના જંગલો નું વાતાવરણ રીંછને વધુ અનુકુળ હોવાથી ત્યાં એમની વસ્તી વધુ છે.

