Gujarat

શાહ વસરાવી પાટીયા પાસેના બ્રિજ પર વારંવાર અકસ્માત સર્જાતા ગ્રામજનોએ સત્વારે કામ પૂર્ણ કરવાની માગ કરી

માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તાથી તડકેશ્વર તરફ જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર શાહ વસરાવી ગામના પાટીયા પાસે બ્રિજ નિર્માણની કામગીરી અધુરી છોડતા અનેક અકસ્માતો સર્જાતા રોષે ભરાયેલા ગામજનોએ રસ્તા રોકો આંદોલન કરવાની સરકારી તંત્રને ચીમકી આપી હતી.

શાહ વસરાવી ગામના પાટીયા પાસે મુખ્ય માર્ગ ઉપર છેલ્લા દોઢ બે વર્ષથી બ્રિજ નિર્માણની કામગીરી ચાલતી હતી. જેથી વાહનચાલકો અને લોકોએ ત્રણ-ચાર કિલોમીટરનો ફેરીને જવુ પડતું હોવાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. હાલ બ્રિજની બંને તરફનું કામ અધૂરું છે અને શાહ ગામ તરફ જવાના માર્ગનો સ્લોપ આપવામાં આવ્યો નથી. છતા નાના વાહનો માટે આ બ્રિજ ખોલી દેવામાં આવ્યો છે. ત્યાં મોટા મોટા મેટલો નાખવામાં આવ્યા છે.

આ જોખમી મેટલોથી ખાસ નાના વાહન ચાલકોને અકસ્માતો થઈ રહ્યા છે અને મોટું વાહન પસાર થાય ત્યારે ટાયર નીચે દબાતા મેટલો ઉડી રહ્યા છે. છતાં માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી જેથી લોકોમાં ભારે આક્રોશ છે.

જેથી નવા નિર્માણ થયેલા બ્રિજ પર શાહ વસરાવી ગામના લોકો એકત્ર થયા હતા અને સરકારી તંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કરી સૂત્રોચાર કર્યા હતા અને સત્વરે આ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.