Gujarat

ભારે વરસાદના પગલે હોસ્પિટલના ઇમરજન્સી, ઓપીડી સહિતના વિભાગમાં પાણી ઘૂસ્યા; હોસ્પિટલ અન્ય સ્થળે ખસેડવા આવેદન

હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના અનેકો મેગા સીટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાય છે. ઠેર-ઠેર જગ્યાએ પાણીનો ભરાવો અને તેનાથી થતી મુશ્કેલી સામે આવી રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ સ્થતિ ગંભીર છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

જેના પગલે અનેકો જગ્યાએ ભારે વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી પાણી થયું છે. અનેકો નદીઓ પણ ઉફાનમાં છે. તો રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું છે. એવી જ સ્થતિ આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે.

ગઈ મોડી રાત્રે અને વેહલી સવારે થયેલા ભારી વરસાદથી દાંતા તાલુકો પાણી પાણી થઈ ગયો છે. વહેલી સવારે વરસેલો ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દાંતા ખાતે આજે વરસેલો ભારે વરસાદથી અનેકો જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. દાંતા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં પણ ભારે વરસાદને લઈને પાણી ભરાયું હતું.

રેફરલ હોસ્પિટલના બહારના ભાગે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. તો સાથે સાથે આ વરસાદી પાણી રેફરલ હોસ્પિટલના અંદરના પરિસરના ભાગમાં પણ આવી પહોંચ્યું હતું. જ્યાં દર્દીઓ બેડ પર સારવાર લેતા હોય છે ત્યાં પણ પાણી પહોંચી ગયું હતું અને ઈમરજન્સી વિભાગ હોય કે પછી ઓપીડી હોય ગમે ત્યાં પાણી પાણી જોવા મળ્યું હતું.

જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને ભારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલના સ્ટાફ અને બહારના લોકોએ અને દાંતા પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત સભ્યોએ પણ સાથે રહીને તમામ દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં મદદ કરી હતી.