વાહનોમાં આગ લાગવાની ઘટના અનેકોવાર જોવા મળતી હોય છે. હાલમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી છે. ત્યારે આ અસનીય ગરમીના કારણે અનેકો ઘટનાઓ પણ ઘટતી હોય છે. આજે પણ ભારી ગરમીના કારણે એક વાહનમાં આગ લાગવાની ઘટના પ્રાથમિક દ્વષ્ટિએ સામે આવી છે.

દાંતા પંથકમાં કાળઝાળ ગરમીના કારણે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાંતા પાસે આંબા ઘાટીમાં વોક્સવેગન કારમાં આગ લાગી હતી. અંબાજીથી મહેસાણા તરફ જતા રસ્તામાં આ ઘટના બની હતી. કારના એન્જિન ભાગમાંથી ધુમાડો નીકળતા કારચાલકે ગાડી સાઈડમાં ઉભી રાખી હતી.

ત્યારે એકાએક કારમાં મોટી આગ ભડકી ગઈ હતી. હાલ તબક્કે ભારે ગરમીના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારમાં બે મુસાફર સવાર હતા. જેમાં મહેસાણાના અલ્પેશભાઈ ઠાકોર અને ચંદનભાઈ ઠાકોરનો આબાદ બચાવ થયો હતો. સમય સૂચકતાથી કાર સાઈડમાં પાર્ક કરી દેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.
આ કારમાં લાગેલી આગના પગલે કાર બળીને ખાક થઈ ગઈ હતી. વન વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.

