Gujarat

પ્રેક્ટિસ સેશન દરમિયાન સેમ હાર્પરને માથા પર બોલ વાગતા મેદાન પર પડી જતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે ૫ જાન્યુઆરીની શરૂઆત એક ભયાનક ઘટના સાથે થઈ, જેણે ૧૦ વર્ષ પહેલાની આવી જ દર્દનાક અને જીવલેણ ઘટનાની યાદ અપાવી. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની ટીમ મેલબોર્ન સ્ટાર્સનો વિકેટકીપર-બેટ્‌સમેન સેમ હાર્પર પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેના સાથી ખેલાડીઓ ગભરાઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની કેપ્ટનશીપવાળી આ ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન હાર્પરને માથાની નજીક એક બોલ વાગ્યો હતો, જેના કારણે તે મેદાન પર પડી ગયો હતો.

હાર્પરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હાલમાં સ્થિર હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, સ્ટાર્સની ટીમ શુક્રવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ સેશન કરી રહી હતી. તમામ બેટ્‌સમેનોની જેમ હાર્પર પણ નેટ્‌સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તે થ્રોડાઉન નિષ્ણાત સામે બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પછી એક બોલ પર પુલ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે ચૂકી ગયો અને બોલ તેની ચિન પર અથડાયો. બોલ એટલો ઝડપથી આવ્યો કે તે હેલ્મેટની ગ્રીલ અને ગરદન વચ્ચે ફસાઈ ગયો.. મળતી માહિતી મુજબ, આ ઈજાના કારણે હાર્પરની ગરદનમાં ઊંડો ઘા થયો અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. હાર્પર ત્યાં જ નેટ પર પડ્યો અને તરત જ મેડિકલ ટીમ તેની તપાસ કરવા પહોંચી. હાર્પરને ટૂંક સમયમાં સ્ટ્રેચર પર મેદાનમાંથી બહાર કાઢવામાં આવ્યો અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

હાર્પર સાથે પ્રેક્ટિસ સેશનમાં હાજર અન્ય ખેલાડીઓ આ અકસ્માતથી ગભરાઈ ગયા હતા અને પ્રેક્ટિસ તરત જ રદ્દ કરવામાં આવી હતી. રાહતની વાત એ હતી કે ૨૭ વર્ષીય હાર્પર ઘટના બાદ હોશમાં હતો. મેલબોર્ન સ્ટાર્સે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે હાર્પરને બેટિંગ દરમિયાન બોલ વાગ્યો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સ્ટાર્સે અહેવાલ આપ્યો હતો કે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા સમયે હાર્પરની હાલત સ્થિર હતી. ક્લબે ચાહકોને હાર્પરની ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેની સ્થિતિ અંગે ટૂંક સમયમાં અપડેટ આપવામાં આવશે.

સ્ટાર્સની ટીમ શનિવારે હાર્પર વિના સિડની સિક્સર્સ સામે મેદાનમાં ઉતરશે. હાર્પરની આ દુર્ઘટનાએ ક્રિકેટ ચાહકોને ૧૦ વર્ષ જૂની ભયાનક ઘટના યાદ અપાવી દીધી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્‌સમેન ફિલ હ્યુજીસ પણ બોલના માથા પર વાગવાને કારણે ઘાયલ થયો જેના કારણે તે પીચ પર પડ્યો અને બેભાન થઈ ગયો. હ્યુજીસ આ ઈજામાંથી સાજાે થઈ શક્યો નહીં અને તેનું મૃત્યુ થયું. આ એક ઘટનાએ ક્રિકેટ જગતને શોક અને આઘાતથી ભરી દીધું અને અહીંથી ખેલાડીઓની સુરક્ષાને લઈને વધુ સતર્ક રહેવાના પ્રયાસો શરૂ થયા.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *