Gujarat

પહેલાં વાયરો નાખવા ખાડા ખોદયા, વરસાદ પડતાં જ હાઇવે પર ભૂવા પડ્યાં

નેત્રંગના મોવી ગામેથી કેલીકુવા સુધીનો નેશનલ હાઇવે નંબર 56 વાહન વ્યવહારથી સતત વ્યસ્ત રહેતો રોડ છે. જોકે, ચોમાસામાં આખો રસ્તો અત્યંત બિસમાર થઇ ગયો હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અકસ્માતોની ઘટનાઓ પણ છાસવારે બને છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માર્ગ પ્રત્યે દુર્લક્ષ્ય કરતાં હોય તેમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.

પ્રાથમિક તબક્કે ટેલીકોમ કંપનીએ વાયર નાંખવા રોડની નીચેથી અંડરગ્રાઉન્ડ ખોદી પાઇપ – વાયર નાંખ્યાં હતાં. જેના પગલે ખાડા પડી જવાને કારણે માર્ગ બિસમાર થઇ ગયો હોવાનું જણાયું છે. મૌઝા ગામે નેશનલ હાઇવે નંબર 56 ઉપર અગાઉ પરમિશન વિના ગેરકાયદેસર રીતે ટેલીકોમ કંપનીએ તેના વાયર નાખવા અંડર ગ્રાઉન્ડ રસ્તાની નીચે ખોદી પાઈપ નાખી વાયર નાખ્યા હતા.

ચોમાસા દરમિયાન વરસાદ પડતાં રસ્તા નીચેની ખોદેલ જમીનની માટી બેસી જતા આખા હાઈવેમાં ભુવો પડી ગયો હતો .આ ભુવો રાત્રે વાહન ચાલકોને નજીક આવે ત્યારે દેખાય ત્યાં સુધીમાં બ્રેક પણ લાગે નહિ એટલે તેમાં વાહન પડતા અકસ્માત થાય છે. નેત્રંગ તાલુકાને બે નેશનલ હાઈવે વર્ષોથી મળ્યા છે જેમાં અંકલેશ્વર બુરહાનપુર 753 બી અને બીજો ચિત્તોડગઢ થી વાપી 56 છે.