Gujarat

નિકોલ રિંગરોડ પર આવેલા રામદેવ એલઈડી રો મટીરીયલમાં વહેલી સવારે આગ, ફાયરની 7 ગાડીએ આગ ઓલવી

શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ રિંગરોડ પર આવેલા રામદેવ એસ્ટેટમાં એલઇડીના રો મટીરીયલના ગોડાઉનમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નિકોલ ફાયર સ્ટેશનની સાત ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. રામદેવ એસ્ટેટમાં લાઈટ પેલેસ નામના ગોડાઉનના માલિક દ્વારા ફાયર NOC લેવામાં આવેલી નહોતી.

વર્ષો જૂનું ગોડાઉન હોવા છતાં પણ ફાયરબ્રિગેડ પાસેથી એનઓસી લેવામાં ન આવતા અનેક સવાલ ઉભા થયા છે. હવે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તેઓને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

ભીષણ આગ સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ

ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે શહેરના નિકોલ વિસ્તારમાં રિંગરોડ પર વૈભવ એસ્ટેટની બાજુમાં આવેલા રામદેવ એસ્ટેટમાં લાઈટ પેલેસ નામના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી.

જેથી નિકોલ ફાયર સ્ટેશનની ટીમને જાણ કરવામાં આવતા અધિકારી સહિત સાત જેટલી ગાડીઓ સાથે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ગોડાઉનમાં ઉપરના માળે ભીષણ આગ લાગી હતી. ભીષણ આગ સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નીચેથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ત્યાર બાદ સીડી વડે ઉપર પહોંચી તેમાં રહેલા ધુમાડાને દૂર કર્યો હતો.

એલઈડી લાઈટનું રો મટીરીયલ્સ બનાવવાનું ગોડાઉન હતું

રામદેવ એસ્ટેટમાં 6, 7 અને 8 નંબરમાં લાઈટ પેલેસ નામનું ગોડાઉન આવેલું છે. જેના માલિક ચંદ્રેશ પરષોત્તમભાઈ સોલરિયા છે. એલઇડી લાઈટના રો મિટીરિયલ્સ બનાવવાનું આ ગોડાઉન છે.

ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રણ માળના આ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે લાઈટ પેલેસના માલિક દ્વારા ફાયર બ્રિગેડની NOC લેવામાં આવી નહોતી. જેને લઇને અનેક સવાલ ઊભા થયા છે.

પૂર્વ વિસ્તારમાં આવેલા આ એસ્ટેટમાં મોટું ગોડાઉન હોવા છતાં પણ માલિક દ્વારા કેમ ફાયર એનઓસી લેવામાં નહોતી આવી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ એસ્ટેટમાં ફાયર એનઓસી લેવામાં આવી છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે નહીં તેને લઈને પણ હવે અનેક સવાલો ઉભા થયા છે.