Gujarat

વડોદરાના ફૂટપાથ પર ઝંડા, બેઝ, પાઘડી વેચનારાઓની હાલત કફોડી; તિરંગા યાત્રા પૂર્વે ફ્રી તિરંગા વિતરણની અસર

દેશના વડાપ્રધાન દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે કે, હર ઘર તિરંગાના અભિયાનમાં જોડાઇ દેશપ્રેમ દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે. આજ આયોજનને લઇ સમગ્ર દેશમાં દેશભક્તિનો ઉત્સવ જોવા મળી રહ્યો છે, પરંતું દેશભક્તિના પ્રેમ વચ્ચે રોજ કમાઈને રોજ ખાનાર ગરીબ લોકો ફૂટપાથ પર એક-એક તિરંગો વેચવા માટે તડપી રહ્યાં છે.

તિરંગા યાત્રા એક તરફ શહેરમાં છે, ત્યારે બીજી બાજુ આવાં ગરીબ લોકોના દેશભક્તિ માટે લાવેલી વિવિઘ ચીજવસ્તુઓનું વેચાણ ન થતાં હાલ બેહાલ થયાં છે.

15મી ઓગસ્ટને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશભક્તિ પ્રેમ તો છે, પરંતું હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રામાં અપાયેલા 500 કાર્યકર્તાઓનો ટાર્ગેટ જેમાં વોર્ડ દીઠ 1 હજાર તિરંગા આપતા સીધી રોજગારી પર અસર, ખાનગી સંસ્થાઓ દ્વારા ફ્રીમાં વહેંચણી, પોલીસ વિભાગ દ્વારા ફ્રીમાં વહેંચણી, પોસ્ટ ઓફિસમાં અપાયેલ ટાર્ગેટ અને નજીવી કિંમતે મળતા તિરંગાને લઇ આ ગરીબ લોકોનાં હાલ બેહાલ જૉવા મળી રહ્યા છે.

હાલમાં માંડ એકલ દોકલ ગ્રાહકો આવી રહ્યાં છે, તે પણ ભાવતાલ કરી ખરીદી ન કરતાં આખરે રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે આવા લોકોનાં પરિવારો ભૂખ્યા ન સૂવે તે માટે લોકોએ તેઓ પાસેથી ખરીદી કરી દેશપ્રેમ બતાવવો જોઈએ.