ચુડા પોલીસ મથક અને મામલતદાર કચેરી સામે રોડ પરથી ઓવરલોડ ખનીજ ભરીને વહન કરતા વાહનોનો અવરજવર વધી ગઈ છે. ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ચુડા તાલુકાના નવી-જૂની મોરવાડ, સમઢિયાળા, વઢવાણ તાલુકાના વડોદ, બલદાણા, લીંબડીના ઉઘલ સહિતના ગામની ભોગાવો નદીમાંથી રેતી, સાયલા તાલુકા વિસ્તારમાંથીકપચી ચોરી થઈ રહી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે.
લીંબડી હાઈવે ઉપર ખાણ ખનીજ અને આરટીઓ દ્વારા કટારિયા નજીક ચેક પોસ્ટ ઉભી કરી દેવાતાં ભૂમાફિયા માટે ગેરકાયદે ખનીજનું વહન કરવું મુશ્કેલ બની ગયું છે. આથી ભૂમાફિયાએ ચોરી કરેલા રેતી, કપચી સહિતની ખનીજ વહન કરવા માટે નવો માર્ગ શોધી કાઢ્યો છે.
ચુડા, વઢવાણ, લીંબડી અને સાયલા તાલુકામાંથી ચોરી કરેલી રેતી, કપચી સહિતનું ખનીજ ભૂમાફિયાઓએ ચુડાના રસ્તે વહન કરવાનું શરૂ કરી દીધું છે.
જે રસ્તા ઉપરથી ઓવરલોડ ખનીજ ભરીને વાહનો પસાર થઈ રહ્યા છે તે માર્ગ પર ચુડા પોલીસ મથક અને મામલતદાર કચેરી આવેલી છે. મામલતદાર કચેરી સામેના રોડ ઉપર ઓવરલોડ ખનીજનું વહન કરતા વાહનો પસાર થઈ રહ્યા છે.
ઓવરલોડ ખનીજ વહન કરતા વાહનોને ચાલકો રોડ ઉપર બેફામ રીતે હંકારી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તંત્રની મીલીભગત વગર આ કાર્ય શક્ય નહીં હોવાની રાવ ઉઠી છે.
ચુડાના મુખ્ય માર્ગે થતું ગેરકાયદે ખનીજનું ખનન, વહન અટકાવવા જવાબદાર મામલતદાર, ખનીજ, આરટીઓ વિભાગ આંખ આડા કાન કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે.

