Gujarat

નર્મદા ડેમના ૯ દરવાજામાંથી દર મિનિટે ૨૨.૮૨ કરોડ લીટર પાણી નદીમાં છોડાઈ રહ્યું છે

– ભરૂચ સહીત ત્રણ જીલ્લામાં ૧૦૦થી વધુ ગામ સચેત કરાયા
– રવિવારે બપોરે બે વાગ્યે ડેમની સપાટી ૧૩૫.૦૨ મીટ થઇ, સરદાર સરોવરમાં ૩.૦૯ લાખ ક્યુસેકની આવક
– પૈકી ૯ ગેટ ૧.૫ મીટરથી ખોલી નદીમાં ૯૦ હજાર ક્યુસેક પાણી છોડાયું
– RBPH જળવિધુત મથક થકી નદીમાં વહેતુ ૪૩૦૦૦ ક્યુસેક પાણી
સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦ પૈકી ૯ ગેટ ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત ખોલી ૧.૩૪ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ભરૂચ સહીત 3 જિલ્લાના ૧૦૦થી વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.ગણમાંથી દોઢ મીટરથી ખોલાયા નર્મદા ડેમના દરવાજામાંથી સફેદ ધોધ સ્વરૂપે વહેતા દર મિનિટે ૨૨.૮૨ કરોડ લીટર પાણીનો નયનરમ્ય નજારો જોવા મળ્યો છે.
પાડોશી મધ્યપ્રદેશના ઇન્દિરાસાગરના ૧૨ અને ઓમકારેશ્વરના ૧૫ દરવાજા ખોલી સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડાતા પાણીના પગલે રવિવારે સવારે ૬ કલાકે સીઝનમાં પેહલી વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા હતા. નર્મદા ડેમના ૩૦ પૈકી ૫ દરવાજા સવારે ૬ કલાકે ૧.૫ મીટરથી ખોલી પ્રથમ ૫૦ હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું.
ડેમના દરવાજા ખોલવામાં આવતા સફેદ ધોધરૂપે ખળખળ વહેતા નર્મદાના નીર નદીમાં ઠલવાતા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારે ૮ કલાકથી ડેમના વધુ ૪  મળી કુલ ૯ દરવાજા દોઢ મીટરથી ખોલી નર્મદા નદીમાં ૧૩૪૦૧૧ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.
ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક ૩,૦૯,૧૨૭ ક્યુસેક થઈ રહી છે. જેની સામે ૯ દરવાજામાંથી ૯૦ હજાર ક્યુસેક અને રીવરબેડ પાવર હાઉસમાંથી ૪૩ હજાર ક્યુસેક પાણી નદીમાં ઠલવાતા હાલ નર્મદા નદી બે કાંઠે હવે વહી રહી છે.
રવિવારે બપોરે ૨ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૫.૦૨ મીટરને પાર કરી ગઈ છે. જ્યારે ઇનફ્લો ઘટીને ૨.૭૫ લાખ ક્યુસેક થઈ જતા નદીમાં ૪ હજાર ક્યુસેક પાણી છોડવાનું ઘટાડાયું છે. હાલ ડેમ ૮૭.૯૨ ટકા ભરાઈ ચુક્યો છે. એક ક્યુસેક પ્રમાણે ૨૮.૩૧૮ લીટર પાણી પ્રતિ સેકેન્ડે વહે છે. જે જોતા ૧.૩૪ લાખ ક્યુસેક ઠલવાતું પાણીને જોઈએ તો પ્રતિ મિનિટે ૨૨.૮૨ કરોડ લીટર પાણી ડેમમાંથી નદીમાં વહીને દરિયામાં ભળી જશે.
ડેમમાંથી છોડાયેલ પાણીના જથ્થાને લઈ સલામતી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ૧૦૦થી વધુ ગામોને સચેત કરાયા છે.