Gujarat

હરણી બોટકાંડમાં બચાવી લેવાયેલા કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ પાણીકાંડમાં ભેરવાયા

હરણી બોટકાંડમાં બચી ગયેલા હાલના ફ્યૂચરિસ્ટિક પ્લાનિંગ સેલના એડિ. સિટી ઇજનેર અને વિવાદાસ્પદ કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ પાણીકાંડ ભેરવાયા છે. હરણી લેકઝોન ફ્યૂચરિસ્ટિક સેલના હસ્તક હતું, છતાં બોટકાંડ બાદ કા.ઇ. રાજેશ ચૌહાણ સામે કાર્યવાહી કરવાને બદલે તેમને ફરિયાદી બનાવી બચાવી લેવાયા હોવાની ચર્ચા છે.

શહેરની હદ બહાર તાંદલજામાં બિલ્ડરને ફાયદો થાય અને પાલિકાને નુકસાન થાય તે રીતે પાણીની લાઈન નાખી હતી. જેની ખાતાકીય તપાસમાં રાજેશ ચૌહાણ વિરુદ્ધ આક્ષેપ સાબિત થયા છે અને તેમની સામે કડક કાર્યવાહી અંગેનો નિર્ણય લેવા મ્યુનિ. કમિશનરે સભામાં દરખાસ્ત મોકલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મ્યુ. કમિશનરે મોકલેલી દરખાસ્ત મુજબ તાંદલજાના અલકરીમ ફ્લેટ અને રિઝવાન ફ્લેટના બિલ્ડરે 100 ટકાના ખર્ચે પાણીની લાઈન નાખવાની હતી, પરંતુ આ કામ પાલિકાના કોન્ટ્રાક્ટર મારફતે કરાવાયું હતું. જેને કારણે પાલિકાને આર્થિક નુકસાન થયું હતું. તે સમયના કા.ઇ. રાજેશ ચૌહાણ, નાયબ કા.ઈ. સમીરા પટેલ અને એડિ. આસિ. એન્જિનિયર શક્તિ શાહ સામે ખાતાકીય તપાસ સોંપાઈ હતી.

તપાસ અધિકારીએ આ તપાસ પૂર્ણ કરી 2022ના ફેબ્રુઆરીમાં અહેવાલ રજૂ કર્યો હતો. તપાસમાં કા.ઈ. રાજેશ ચૌહાણ સામે વાસણા ટાંકીના નેટવર્ક લંબાવવાની કામગીરીમાં ઉપરી સક્ષમ અધિકારીના હુકમનું સમય મર્યાદામાં પાલન ન કરી તેઓની સૂચનાની અવગણના કરી હોવાનું અને ડેવલપર્સને ફાયદો થાય તે રીતે લાઈન હદ બહારના વિસ્તારમાં વધારવાનું કામ કરાયું હોવાનું ખૂલ્યું હતું.

રાજેશ ચૌહાણે ફરજમાં બેદરકારી સાથે શહેર બહાર વિસ્તારની નેટવર્ક લંબાવવાની કામગીરીમાં અલકરીમ રેસિડેન્સીના બિલ્ડરે પોતાના ખર્ચે નાખવાની લાઈન પાલિકાના કોન્ટ્રાક્ટર પાસે નખાવી પાલિકાને નુકસાન પહોંચાડ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. કા.ઈ. રાજેશ ચૌહાણ સામે મૂકેેલા 3 આક્ષેપો પૈકી 1 અંશત, જ્યારે 2 આક્ષેપ સાબિત થયા છે.