થાન બાંડીયા બેલી ડેમ આસપાસ ગેરકાયદેસર ખનન થઇ રહ્યુ છે. જેના બ્લાસ્ટીંગના ઝેરી પદાર્થના કારણે પાણીને અસર થાય છે, તે પાણી ડેમમાં આવતા ત્યાંથી ખેતરોમાં ઠલવાય છે.જેના કારણે પાકને અને ખેતી જમીનને નુકશાન થાય છે. આથી ઝેરી પાણી ડેમમાં ઠલવાતા બંધ કરાવવા ખેડૂતોની માંગ છે. થાનગઢ તાલુકાનું રૂપાવટી અને થાનગઢ વિસ્તારના 2500 વીઘાથી પણ વધારે ખેડૂતો માટે બાંડિયા બેલી ડેમ જીવા દોરી સમાન છે. પરંતુ થાનગઢ વિસ્તારની અંદર ખનીજ માફીયા ડેમની અંદર અને ડેમની આજુબાજુ વિસ્તારની અંદર ગેરકાયદેસર કામ ખોદવામાં આવી રહી છે. આ ખાણની અંદર જે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે. તે બ્લાસ્ટ થયા પછી ખાણની અંદર પાણીમાં ભળી જાય છે, એ પાણી ખાંણની અંદર બહાર કાઢવામાં આવી રહ્યું છે.
આ પાણી થાનગઢ બાંડિયા બેલી ડેમની અંદર છોડવામાં આવી રહ્યું છે અને ડેમની આજુબાજુ વિસ્તારની અંદર અનેક ખાડાઓ ચાલુ હોવાથી પાણીની અંદર બ્લાસ્ટીંગનો ઝેરી પદાર્થ ભળી જવાથી અનેક ખેડૂતોના ઘઉં જીરૂ જેવા અનેક પાકો નાશ પામ્યા છે. ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં પણ આવી છે પણ ખનીજ માફિયાના સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી.
આ ખાણો તાત્કાલિક ધોરણે બંધ કરાવીને ખેડૂતોને બચાવવા માટેની અને પાક બચાવવાની રજૂઆત કરાઇ છે .આ અંગે ખેડૂત કરસનભાઇ ભરવાડ સહિતનાઓએ જણાવ્યુ કે, આ બ્લાસ્ટીંગના ઝેરી પાણીથી ખેડૂતોને નુકશાનની રજૂઆત નહીં સાંભળવામાં આવે તો ખેડૂતોને આપઘાત કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સરકારને નમ્ર વિનંતી છે કે, વહેલામાં વહેલી તકે ખેડૂતોને ન્યાય આપે અને જે ખનીજ ખાતાઓ દ્વારા ખાડા પૂરવામાં આવ્યા હતા તે રાતના સમયે ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવભાઈ બારોટે જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.