અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં આગ લાગવાની ઘટના બની છે. બેંકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા આગની ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
ઘટનાને પગલે ત્વરીત કાર્યવાહી કરતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બેંકમાં ધુમાડો ફેલાયો હતો. આગ લાગી ત્યારે સ્ટાફ સહિત 50 લોકો બેંકમાં હાજર હતા.
મળતી માહિતી મુજબ આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, ખમાસા ચાર રસ્તા પાસે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં આગ લાગી છે.
મેસેજ મળવાના પગલે જમાલપુર ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આગ લાગવાના પગલે બેંકમાં ધુમાડો થઈ ગયો હતો. બેંકમાં હાજર સ્ટાફ સહિતના લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા.

જોકે, આગના કારણે ધુમાડો બેંકમાં ફેલાતા ફાયર બ્રિગેડ દ્વારા સાધનોનો ઉપયોગ કરી આગને કાબુમાં લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિત મિથુન મિસ્ત્રી સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

