Gujarat

અમદાવાદ જિલ્લામાં ૧૦૫ થી વધુ સ્કૂલોનો ફાયર સેફ્‌ટીની બાબતે નોટિસ

અમદાવાદની ૧,૯૦૦થી વધુ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું

રાજ્ય સરકારના આદેશથી રજાના દિવસે પણ રાજ્યની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્‌ટીને લઈ ચકાસણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદની સ્કૂલોમાં ૧૦૫થી વધુ સ્કૂલોને ફાયર સેફ્‌ટીના જરૂરી સંસાધનો ન હોવાથી તેમને નોટિસ આપવામાં આવશે. અમદાવાદની ૧,૯૦૦થી વધુ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યના તમામ જિલ્લાની સ્કૂલોમાં ડીઇઓ અને ડીપીઇ દ્વારા રૂબરૂ જઈ ચકાસણી કરવામાં આવી હતી. તમામ સ્કૂલો પાસેથી ફાયર સેફ્‌ટીના પ્રમાણપત્રો માંગવામાં આવ્યા હતા. અગાઉની કેટલીક સ્કૂલોમાં ફાયર એનઓસી રીન્યુ કરાવાઈ ન હતી તેઓને રીન્યુ કરાવવા આદેશ અપાયો હતો.

આ દરમિયાન હાઇકોર્ટના આદેશ પછી શિક્ષણ વિભાગે ફરીથી તમામ સ્કૂલોને ફાયર સેફ્‌ટી ચેકિંગનો આદેશ કર્યો હતો. તેમા ગુજરાત શિક્ષણ બોર્ડ, કમિશ્નર ઓફ સ્કૂલ કચેરી તથા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગઇકાલે તમામ ડીઇઓ-ડીપીઓને પરિપત્ર પાઠવીને રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. તેના પગલે રજાના દિવસે પણ સ્કૂલો ચાલુ રાખવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશના પગલે રજાના દિવસે પણ સ્કૂલો ચાલી રહી હતી.

હાઇકોર્ટના આદેશના પગલે આજે થયેલા ઇન્સ્પેકશનમાં અમદાવાદ શહેરની ડીઇઓ હેઠળની ૫૭ સ્કૂલો અને ગ્રામ્ય ડીઇઓ હેઠળની ૫૫ સ્કૂલો સહિત ૧૧૦થી વધુ સ્કૂલોમાં ફાયર સેફ્‌ટીના જરૂરી સંસાધનો ન હોવાનું જાણમાં આવ્યું હતું. જો કે નિયમ મુજબ આ સ્કૂલોને ફાયર એનઓસીની જરૂરિયાત નથી, કારણ કે નવ મીટરથી ઓછી ઊંચાઇવાળી સ્કૂલો માટે ફાયર સેફ્‌ટીની જરૂરિયાત નથી. પણ બીજા સંસાધનો રાખવા જરૂરી છે.